-ગુજરાત મુદ્દે અમે અત્યંત ગંભીર : ગૌરવ ગોગોઈ, અમદાવાદના અધિવેશનમાં ગુજરાત અને દેશમાં જાગૃતિ માટેનો કોંગ્રેસનો સંકલ્પ
અમદાવાદ,
તા.8: (ફૂલછાબ ન્યૂઝ) કોંગ્રેસના સાંસદ, લોકસભા વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ અમદાવાદ
ખાતે મળેલા અધિવેશનમાં આજે કહ્યું કે અમે આ
વખતે એટલા માટે ગુજરાતમાં છીએ કારણ કે ગુજરાત સંદર્ભે અમે ગંભીર છીએ. અમારે 2027ની
વિધાનસભાની ચૂંટણી જીતવાની છે. કોંગ્રેસના 140 વર્ષના કાળખંડમાં છઠ્ઠીવાર ગુજરાતમાં
મળી રહેલા અધિવેશનમાં ગૌરવ ગોગોઈએ કહ્યું કે આગામી ચૂંટણીમાં અમને પ્રજાના આશીર્વાદ
મળવાના છે. આજે પ્રથમ દિવસે સચિન પાયલટે પણ કહ્યું કે અમે ભાજપને સંસદની અંદર અને બહાર
ઘેરશું. કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલ કેન્દ્રમાં રહ્યા હતા તો બીજી તરફ એવો આકરો
પ્રહાર પણ નેતાઓએ કર્યો હતો કે અમેરિકાની સરકારે લાદેલા ટેરિફને લીધે વેપાર-ધંધાને
ઘણુ નુકસાન થવાનું છે પરંતુ સંવાદ કરવાને બદલે વડાપ્રધાન મૌન છે.
ગૌરવ
ગોગોઇએ વધુમાં જણાવ્યું હતું કે અમારા માટે આ ક્ષણ ઐતિહાસિક છે. અમે બે મહાન હસ્તી
મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરીએ છીએ. ભારત દેશ માટે તેમની દેશભક્તિ યાદ કરીએ
છીએ તે જ અમારો રાષ્ટ્રવાદ છે. અમારા રાષ્ટ્રવાદમાં એકતા અને સદ્ભાવના રહેલી છે. સંવિધાનનું
સંરક્ષણ કરવું એ પરમ કર્તવ્ય છે. ગુજરાતના લોકો પ્રત્યે અમને શ્રદ્ધા છે. આ સોમનાથ
દાદાની ભૂમિ છે.
તેમણે
તાજેતરમાં અમેરિકા દ્વારા 26 ટકા ટેરિફ લાદવામાં આવી છે તે સંદર્ભે તેમણે કહ્યુ હતુ
કે ભારતની નિકાસ પર ટેરિફ ની વિપરીત અસર પડશે. અનેક ક્ષેત્રે અનેક ઉદ્યોગોને તેની માઠી
અસર થઈ રહી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ પર પણ તેની અસર થઇ રહી છે. ત્યારે અમે ઇચ્છીએ
છીએ ટેરિફ વિરુદ્ધ અમેરિકા સાથે ભારત સરકાર કડક સંવાદ કરે. જોકે પ્રધાનમંત્રી કેમ મૌન
છે તે અમને ખબર નથી. આવા અનેક મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીએ ગંભીર નોંધ લઇને ચર્ચા કરી
છે. બાંગ્લાદેશના હાલના સંયોજક સાથે વડાપ્રધાને સંવાદ કર્યો પરંતુ અલ્પસંખ્યક માટે
કોઈ ચર્ચા કરી નથી. આપણી સરકાર બાંગ્લાદેશ, ચીન, અમેરિકા સહિત અનેક મુદાઓ પર કેમ અવાજ ઉઠાવતી નથી તે સમજાતું નથી.
કોંગ્રેસના
સાંસદ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટે જણાવ્યું હતું કે ઉદેપુર
ડેક્લેરેશન લાગુ કર્યુ છે. અમે લોકો સુધી જઇશું, દેશમાં જનચેતના ફેલાવીશું. ભાજપને
સંસદમાં અને બહાર જવાબ આપવામાં આવશે. 2025નું વર્ષ સંગઠન માટે સમર્પિત હશે. યુવાઓ,
ગરીબ, આદિવાસી અને પછાત લોકો માટે કામ કરીશું.
તેમણે
જણાવ્યું કે કોંગ્રેસ જાતિગત વસ્તીગણતરી ઇચ્છે છે, અને દરેક વ્યક્તિને એક જ ગણીએ છીએ.
સામાજિક,
આર્થિક, રાજકીય ન્યાય વિશે કોંગ્રેસે કરી ચર્ચા
સરદાર
પટેલની 150મી જન્મજયંતીએ જ ગુજરાતમાં અધિવેશન એક સંયોગ: અધિવેશન પુર્વે યોજાઈ પત્રકાર
પરિષદ
અધિવેશન
પૂર્વે મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ
નેતા જયરામ રમેશ અને કે.સી.વેણુગોપાલે ભવિષ્યની રૂપરેખા જિલ્લા કોંગ્રેસ કમિટીઓને સશક્ત બનાવવા સહિત સંગઠનની મજબુતી, જવાબદારી નક્કી
કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર કરવામાં આવેલા મહામંથન અંગેની માહિતી આપી હતી. વિસ્તૃત કાર્ય સમિતિની આ
બેઠકમાં અધિવેશન સંબંધિત પ્રસ્તાવ પર વિચાર વિમર્શ કરાયા બાદ પ્રસ્તાવ પસાર કરવામાં
આવ્યો હતો. આજની બેઠકમાં પસાર કરેલા પ્રસ્તાવમાં સરદાર પટેલ કેન્દ્ર સ્થાને રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આજની વિસ્તૃત બેઠકમાં
158 સભ્યો હાજર હતા. તેમાં પીસીસી પ્રમુખ, સીએલપી નેતા, મુખ્યમંત્રી, કાયમી અને ખાસ
આમંત્રિત સભ્યો હાજર હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એક વિશેષ પ્રસ્તાવ લાવીને તેના
પર ચર્ચા થઈ અને તે પસાર કરાયો હતો. આવતીકાલે વધુ બે પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે.
જેમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર અને બીજું ગુજરાતના રાજકારણ પર ચર્ચા હાથ ધરાશે.
તેમણે કહ્યું કે, આ અધિવેશન ત્યારે યોજાઈ રહ્યું
છે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે
સરદાર પટેલના સ્મારક પર વિસ્તૃત ઈઠઈ બેઠકનું આયોજન કરવાની આપણી ફરજ હતી. ભારતના બંધારણની
પ્રસ્તાવનામાં સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય વિશે વાત કરવામાં આવી
છે, જેની ચર્ચા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી
અને અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આવતીકાલના પ્રસ્તાવમાં સામાજિક ન્યાય, આર્થિક
ન્યાય અને રાજકીય ન્યાય પર વાત કરી તે અંગે અધિવેશનમાં ચર્ચા હાથ ધરાશે.
કોંગ્રેસ દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવથી
સરદાર પટેલ અને નેહરુ વચ્ચે કેવો અનોખો જુગલબંધી હતો તે સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. આ બંને
નેતાઓ આધુનિક ભારતના નિર્માતા હતા અને તેમણે ગાંધીજીના નેતૃત્વમાં દેશની સ્વતંત્રતા
માટે લડત આપી હતી. સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના સંબંધો વિશે જુઠ્ઠાણા ફેલાવનારાઓએ
જાણવું જોઈએ કે આ બંને નેતાઓએ દેશના નિર્માણમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે. દેશમાં
ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા થઇ રહ્યા છે. ગાંધી અને સરદારના વારસા પર હુમલો કરવામાં
આવી રહ્યો છે.