• બુધવાર, 16 જુલાઈ, 2025

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ ? નિમણૂક માટે દિલ્હી દરબારમાં મંથન

પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે યોજાઈ મહત્વની  બેઠક, પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપાઇ

અમદાવાદ, તા.22 : ગુજરાત ભાજપના રાજકારણમાં હાલમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકનો મામલો દિલ્હીના દરબાર સુધી પહોંચ્યો છે. રાજ્યમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી કોનાં શિરે જશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. આ સપ્તાહના અંત પૂર્વે આ અંગેનો નિર્ણય લેવાય જાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને યુવા ચહેરાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તેવો અણસાર નજરે ચડી રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ જવાબદારીનું વહન કરવા માટે દાવેદારોમાં કેટલાક સાંસદો અને ધારાસભ્યોના નામ પણ ચર્ચામાં છે. એકથી વધુ જૂથો તેના માટે લોબિંગ કરી રહ્યાં છે હવે કયુ જૂથ ફાવશે તેના પર સહુ કોઈની નજર મંડાઈ છે.

ગુજરાત ભાજપનાં નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે ? તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ગઇકાલે 21મીના સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકાએક દિલ્હી પહોંચી ગયા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની  આ સૂચક મુલાકાત બાદ ગુજરાત પ્રદેશના ભાજપના નવા પ્રમુખની વરણી, નવું સંગઠન અને રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની અટકળોમાં વેગ આવ્યો હતો. દરમિયાનમાં આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. 

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આ નિર્ણય લીધો છે અને હવે ભૂપેન્દ્ર યાદવ આ પ્રક્રિયાને આગળ વધારશે. આ બેઠક બાદ, ટૂંક સમયમાં જ ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરશે અને નવા પ્રદેશ પ્રમુખ માટેના યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે.

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની સંભાવના છે. આ જાહેરાત પહેલા, પક્ષમાં વિવિધ સ્તરે મંથન ચાલી રહ્યું છે અને દરેક પાસાંઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. નવા અધ્યક્ષની પસંદગી ગુજરાત ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી સમયમાં રાજ્યમાં અનેક ચૂંટણીઓ યોજાવાની છે. આ નિમણૂક ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે અને ભાજપની રણનીતિને પણ અસર કરી શકે છે. હાલમાં સૌની નજર ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક પર ટકેલી છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક