સીઝનનું હાઇએસ્ટ 46.2 ડિગ્રી તાપમાન : હજી બે દિવસ તાપમાનનો પારો વધશે
રાજ્યના
11 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર: બપોરે સ્વયંભૂ કફર્યૂ
રાજકોટ,
તા.28: આ વર્ષે ઉનાળાની શરૂઆત જ આકરી થઇ હતી. એપ્રિલ માસનો પ્રારંભ થતા જ સૂર્ય દેવનો
પ્રકોપ જોવા મળી રહ્યો હતો. એમાં પણ આ વર્ષે જાણે રાજકોટ આગનગોળામાં ફેરવાયું હોય તેમ
તાપમાન સતત વધી રહયું છે. છેલ્લા બે દિવસથી તો રાજકોટમાં ગરમી ભૂક્કા બોલાવી રહી છે
અને આજે તો જાણે કે આભમાંથી લૂ વરસતી હોય એમ સીઝનું હાઇએસ્ટ 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું. એપ્રિલ માસની ગરમીના તમામ રેકોર્ડ તૂટયાનુ ચિત્ર છે. ચામડી દઝાડતી ગરમીમાં માર્ગે
સુમસામ બની જવા સાથે કર્ફયૂનો માહોલ ઉભો થયો છે. તેમજ રાજ્યના 11 શહેરમાં તાપમાનનો
પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાય ઉઠયા હતા.
ગુજરાતમાં
તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે સિઝનમાં પહેલીવાર તાપમાન 46.2 ડિગ્રીને પાર થયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર
તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં આજે બપોરે 2:30 વાગ્યે અત્યાર સુધીનું
રેકોડબ્રેક 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા બજારોમાં સોપો પડી ગયો છે અને આકાશમાંથી અગનવર્ષા
થતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે સાંજે ચાર વાગ્યા સુધીમાં તાપમાનનો પારો
46.2 ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી
ગયું છે. માથું ફાટી નાખતા તથા માનવી-પશુ-પંખી સહિત જીવમાત્રના સ્વાસ્થ્યને અસર કરતા
આકરા સૂર્યતાપને પગલે શહેરમાં બપોરે કફર્યૂ જેવો માહોલ રહેવા સાથે માર્ગો સુમસામ રહ્યા
હતા. બજારોમાં ચકલુ પણ ફરકતું ન હોવાની સ્થિતિ હતી.
હવામાન
વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ પવન
ફૂંકાય તેવી શક્યતા છે. બે દિવસ સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે અને વધુ
ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પૂર્વીય પવનોની સાથે ગરમી પણ વધશે. ભારતીય હવામાન વિભાગએ
આગામી 7 દિવસ માટે ગરમીના મોજા માટે યલો અને ઓરેન્જ રંગના એલર્ટ જાહેર કર્યુ છે. આજથી
2 મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 3 મેના રોજ ફરીથી યલો એલર્ટ આપવામાં
આવશે. 26થી 29 એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત અને પૂર્વી ઉત્તર પ્રદેશના નજીકના વિસ્તારોમાં
હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મે મહિનામાં ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળશે.
રાજકોટમાં
ગરમી વધતાં લોકોને તકેદારી રાખવા આરોગ્ય વિભાગની અપીલ
રાજકોટ
શહેરનું તાપમાન અન્ય શહેરોની તુલનાએ સતત વધુ નોંધાઈ રહ્યું છે. લોકોએ સાવચેતી રાખવી
જરૂરી છે. હીટ રિલેટેડ બીમારીનાં લક્ષણો જણાય તો લોકોએ તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો
સંપર્ક કરવો જોઈએ અને બપોરના સમયે ખૂબ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જરૂરી
છે તેમજ બહાર જવાનું થાય તો ટોપી, રૂમાલ અને ગોગલ્સ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી
છે. સામાન્ય રીતે લોકો ઠંડાં પીણાં પીતા હોય છે, પરંતુ બહારનાં કાર્બોનેટેડ ઠંડાં પીણાં
સ્વાસ્થ્ય માટે નુકસાન કરતાં હોય છે ત્યારે દર કલાકે એકથી દોઢ ગ્લાસ પાણી પીવું જોઈએ.
આ ઉપરાંત છાશ, લીંબુપાણી કે નારિયેળપાણી પીવું વધારે હિતાવહ છે. ખાસ કરીને બાળકો અને
વયોવૃદ્ધ લોકો તેમજ સગર્ભા બહેનોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાઇટ પર
કામ કરતા હોય તેવા લોકોએ બપોરના સમયે ખાસ આરામ કરવો જોઈએ, જેની સામે વહેલી સવાર અથવા
સાંજના સમયે કામ કરવું જોઈએ.