• મંગળવાર, 29 એપ્રિલ, 2025

રોયલ્સ માટે ડૂ ઓર ડાઇ મેચ : ટાઇટન્સનું લક્ષ્ય પ્લેઓફ

સતત પાંચ હાર પછી રાજસ્થાન રોયલ્સની ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ રાહ કઠિન

જયપુર તા.27: શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ગુજરાત ટાઇટન્સ ટીમની ટક્કર સોમવારના મેચમાં સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર હોમ ટીમ રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ થશે. ત્યારે શુભમન ગિલની ટીમ જીતની રફતાર જાળવી રાખી પ્લેઓફમાં નિશ્ચિત થવા માંગશે. તો સંજૂ સેમસનની આરઆર ટીમનો ઇરાદો ઘરેલુ મેદાનનો ફાયદો ઉઠાવીને વિજયક્રમ પર વાપસીનો હશે. વધુ એક હારથી રાજસ્થાન માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઇ જશે.

ટાઇટન્સ શાનદાર ફોર્મમાં છે. તેના ખાતામાં 8 મેચમાં 6 જીતથી 10 અંક છે અને હાલ પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે તે હજુ બે જીત જરૂરી છે. તેના બે ખેલાડી સાઇ સુદર્શન અને પ્રસિધ્ધ કૃષ્ણા હાલ ઓરેન્જ અને પર્પલ કેપ લીડર બોર્ડ પર ટોચ પર છે. આ ઉપરાંત કપ્તાન શુભમન ગિલ, અનુભવી બેટધર જોસ બટલર, યુવા સ્પિનર સાઇ કિશોર અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સતત સારો દેખાવ કરી રહ્યા છે. ટીમની ચિંતા ચમત્કારિક અફઘાન સ્પિનર રાશિદ ખાનનું આઉટ ઓફ ફોર્મ હોવું છે.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પાછલા મેચમાં આરસીબી સામેની 11 રનની હાર પછી પ્લેઓફની બહાર થવાની કગાર પર છે. આ તેની સતત પાંચમી હાર હતી. હાલ તે પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને છે. પાછલા ત્રણ મેચમાં જીતની નજીક પહોંચી રાજસ્થાન ટીમ હારી રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધની સુપર ઓવરની હાર સામેલ છે. ગુજરાત સામે રાજસ્થાને વિજય હાંસલ કરવો હશે તો તમામ મોરચે ઉમદા દેખાવ કરવો પડશે અને ખાસ કરીને કપ્તાન સંજૂ સેમસન અને ઇન ફોર્મ બેટર યશસ્વી જયસ્વાલે ટીમને આક્રમક શરૂઆત આપવી પડશે. આઇપીએલ 18મી સીઝનમાં આરઆરનું બોલિંગ સૌથી નબળુ માનવામાં આવે છે. આ યુનિટે ટીકાકારોને ચૂપ કરવા પડશે. તો જ ટીમની પ્લેઓફની આશા જીવંત રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક