• મંગળવાર, 29 એપ્રિલ, 2025

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મે માસના મધ્યાંતરે જાહેર થઈ જશે ? રાજ્યમાં બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત આજે થવાની શક્યતા

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા.28 : રાજ્યમાં ભાજપના જિલ્લા અને શહેર સ્તરના પ્રમુખોની નિમણૂક પૂર્ણ થયા બાદ સૌની નજર હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર રહેશે. સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આગામી 15 દિવસમાં એટલે કે મે મહિનાના મધ્ય સુધીમાં થઈ શકે છે.  આ ઉપરાંત ભાજપના બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નિમણૂકો આવતીકાલે, 29 એપ્રિલ, 2025ના રોજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે. આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર થયા બાદ, ગુજરાત ભાજપના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકનું કાર્ય પૂર્ણ થઈ જશે. આ સાથે, રાજ્ય સ્તરના સંગઠન માળખાની રચના એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કરશે.

મહત્ત્વનું છે કે, આ નિમણૂકો પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને આગામી સમયમાં થનારી ચૂંટણીઓ અને અન્ય રાજકીય પ્રવૃત્તિઓ માટે પક્ષને સજ્જ કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હાલ, સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં બાકી રહેલી નિમણૂકો અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક