ફ્રાંસ સાથે જંગી સોદા પર હસ્તાક્ષર : 2028થી સપ્લાય, પાકિસ્તાન સાથે ચીનને પડકાર
નવી
દિલ્હી, તા.ર8 : ભારત અને ફ્રાંસે સોમવારે સૈન્યના જંગી સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારતે 63000 કરોડના ખર્ચે ફ્રાંસ પાસેથી ર6 રાફેલ મરીન ફાઈટર જેટની ખરીદીના કરાર કર્યા
છે. ર0ર8થી ભારતને સમુદ્રી તાકાત વધારતાં આ વિમાનોની સપ્લાય શરૂ થશે. આ સોદાથી સમુદ્રમાં
પાકિસ્તાન સાથે ચીનને પણ મોટો પડકાર ઉભો થશે કારણ કે બન્ને દેશના નેવલ લડાકૂ વિમાનો
કરતાં રાફેલ-એમ વધુ શક્તિશાળી છે.
પાકિસ્તાન
સાથે હાલ ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે ભારત અને ફ્રાંસના અધિકારીઓએ સોમવારે આ સોદાને
ઔપચારિક મહોર લગાવી હતી. ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહ અને નેવીના ઉપપ્રમુખ
વાઈસ એડમીરલ કે સ્વામીનાથન હાજર રહયા હતા અને ફ્રાંસ તરફથી સંરક્ષણ મંત્રી હાજર રહેવાના
હતા પરંતુ અંગત કારણોસર તેઓ ભારત આવી શક્યા ન હતા. હસ્તાક્ષર સમારોહમાં ભારતના સંરક્ષણ
મંત્રી રાજનાથ સિંહ હાજર હતા.
જૂલાઈ
ર0ર3માં ભારતે ચર્ચા વિચારણાને અંતે રાફેલ મરીનની ખરીદીમાં આગેકૂચ કરી છે. રાફેલ મરીનનું
નિર્માણ ડસોલ્ટ એવિએશન કરે છે. રાફેલ એમ વિમાન વાહક યુદ્ધ જહાજ વિક્રાંત પરથી ઓપરેટ
થશે જે મિગ-ર9ના કાફલાને સહયોગ કરશે. ભારતીય એરફોર્સ પહેલેથી જ 36 રાફેલ વિમાનો ધરાવે
છે હવે નેવીના ર6 રાફેલ ઉમેરાશે. જે સાથે ભારતના કાફલામાં રાફેલની સંખ્યા 6ર થઈ જશે.
ભારત તબક્કાવાર મિગ-ર9ને હટાવી રહયું છે જેનું સ્થાન આધુનિક રાફેલ લેશે.