• મંગળવાર, 29 એપ્રિલ, 2025

વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે છતાં ગોંડલમાં ‘મોરેમોરો’ કેમ ભટકાયો?

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર સૂરતના નેતાઓનો ક્યાંક જયરાજસિંહનો દબદબો ખતમ કરવાનો કોઈ ઈરાદો તો નથી ને ?

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ તા.28 : પહલગામમાં આંતકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવ્યો છે એવા સમયે જ ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ વચ્ચે રવિવારે જે રાજકીય ડ્રામા સર્જાયો તે ટીકા પાત્ર બન્યો છે. પોલીસે ધાર્યુ હોત તો, આ વિવાદ ત્યાં સુધી પહોચી જ શક્યો ન હોત.  સવાલ એ ઉભો થાય છે કે, સૂરતના નેતાઓને ગોંડલમાં રસ કેમ પડયો ? પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ જયરાજસિંહનો દબદબો ખતમ કરવાનો ઈરાદો હતો કે, ખરેખર સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિપ્રદર્શન કરીને પાટીદાર નેતાઓને ફેંકેલા પડકારો સામે મોરેમોરો ભટકાડીને તેનો સણસણતો જવાબ આપવાનો હતો ?

સૌરાષ્ટ્રની ગોંડલ બેઠક એક માત્ર એવી બેઠક છે જ્યાં લેઉવા પાટીદારો પ્રભુત્વ ધરાવે છે. અહીં સવા લાખ આસપાસ પાટીદારોના મત છે. છેલ્લી છ ટર્મથી ક્ષત્રિય અગ્રણી જયરાજસિંહ જાડેજા આ બેઠક ઉપર પોતાનો દબદબો જાળવીને બેઠા છે. વર્તમાનમાં તેમના પત્ની ગીતાબા જાડેજા ભાજપના ધારાસભ્યપદે આરૂઢ છે. જયરાજસિંહનો ભૂતકાળ જે પણ રહ્યો હોય પરંતુ વર્તમાનમાં તેઓ અહીના લોકપ્રિય નેતા તરીકે નામના ધરાવે છે અને તેમની છત્રછાયામાં પાટીદારો ગોંડલના વિકાસ અને પોતાની સુરક્ષા અનુભવતા હોવાની પણ ચર્ચા છે. ઉનાળામાં પાણીની સમસ્યાને ઉકેલવા વેરી તળાવને છલોછલ ભરી દેવાની વાત હોય કે, પછી ગોંડલમાં સૌથી વધુ સિમેન્ટ રોડનું નિર્માણ આ તમામ વિકાસકામો તેમના કાર્યકાળમાં થયાં છે.

પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં ક્ષત્રિય નેતાનો દબદબો કેમ ચાલે ? તે બાબતને લઈને કેટલાક નેતાઓના પેટમાં પાણી રેડાયું છે. સૂરતનો વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે, સૂરતની એ નેતાગિરી સૌરાષ્ટ્રની આ બેઠક ઉપર પણ પાટીદાર નેતા ઈચ્છે છે. તેઓ અહીં રહેતા નથી અને હવે વિરોધ કરવા પહોંચી ગયાં છે જો કે, આ પાટીદાર નેતાઓએ ગોંડલના પાટીદાર અગ્રણીઓને કિનારે કરીને પોતાની રીતે જ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સામે બાથ ભીડી લીધી છે. અહીં ભાજપ કે, કોંગ્રેસ પક્ષની લડાઈ નથી, લડાઈ કોઈ એક સમાજને સત્તાના સિંહાસન ઉપર બેસાડવાની છે.

વિધાનસભા ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલો સમય બાકી છે તે પૂર્વે જ તેમણે આ બેઠક કબજે કરવા માટે આ નેતાઓએ કરેલા ધમપછાડા કંઈક વધુ પડતી જ ઉતાવળભર્યુ પગલું હોવાનું રાજકિય વિશ્લેષકો જણાવી રહ્યાં છે. ક્યાંક સૌરાષ્ટ્રમાં નામના ધરાવતું પાટીદારોના મુખ્ય સંગઠનનું પીઠબળ તો તેમાં સામેલ નથી ને તે મુદ્દો પણ હાલ ચર્ચામાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક