• મંગળવાર, 29 એપ્રિલ, 2025

ચોટીલાના ઢાંકિયા ગામની સીમમાંથી ઝડપાયો રૂ. 78.65 લાખનો દારૂ

- દારૂના કાટિંગ સમયે જ એસ.એમ.સી. ત્રાટકતા મચી નાસભાગ: દારૂ, વાહન સહિત રૂ.1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો: દારૂનો જથ્થો મગાવનારા મોલડીના બુટલેગર સહિતના ફરાર

સુરેન્દ્રનગર, તા.28: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ઢાંકિયા ગામની સીમમાં દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. 78.65 લાખનો દારૂ, બે વાહન સહિત કુલ રૂ.1.13 કરોડનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ સાયલા નજીક ચોટીલા તાલુકાના ઢાંકિયા ગામની સીમમાં વીડ વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સૂચનાથી પીએસઆઈ એસ.વી. ગરચર અને તેમની ટીમે દરોડો પાડયો હતો. એસએમસીના દરોડાથી દારૂના કટિંગ વખતે નાશભાગ મચી ગઈ હતી. એસ.એમ.સી.એ સ્થળ ઉપરથી રૂ. 78.65 લાખની કિંમતની 6,342 બોટલ તથા 35 લાખના વાહનો મળી 1.13 કરોડનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરતા આ દારૂનો જથ્થો મોલડીના દિલીપ બાવકુભાઈ ધાધલે મગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ દરોડામાં ટ્રક, પિકઅપ વાહનનો ડ્રાઈવર તથા સ્કોર્પિયો કારનો ચાલક ઉપરાંત દારૂનું કટિંગ કરનારા મજૂરો ફરાર થઈ ગયા હતા. જેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરોડામાં દારૂ મગાવનારા નાની મોલડીના બુટલેગર સહિત 8 શખસના નામ એસએમસીએ ખોલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

-------------

તળાજામાં દારૂ ભરેલી કાર સાથે શખસ ઝડપાયો

દારૂ 177 બોટલ સહિત કુલ રૂા.2 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ભાવનગર,તળાજા, તા.28: ભાવનગર જિલ્લાના તળાજાના રામપર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે તણસાના શખ્સની તળાજા પોલીસે ધરપકડ કરી રૂ.બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

તળાજા પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે તળાજાના રામપર રોડ પર પસાર થઈ રહેલી કાર નં. જી.જે.04 - સી.આર. 4247 ને અટકાવવાનો  પ્રયાસ કરતા કાર ચાલક પોતાની કાર ઉભી રાખી નાસવાનો પ્રયાસ કરતા પોલીસે કાર ચાલક ક્રિપાલાસિંહ જયવંતાસિંહ ગોહિલ ( રહે.તણસા, તા.ઘોઘા) ને ઝડપી લીધો હતો.પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 177 બોટલ કિં.રૂ.51,978/- મળી આવી હતી.

તળાજા પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.2,06,978/- સાથે કાર ચાલકની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા વિદેશી દારૂ ભરેલી કાર ભાવેશ ઉર્ફે ભોલો ગાવિંદભાઈ કોતર ( રહે. ટીમાણા તળાજા ) એ આપી હોવાનું અને તળાજા લઈ જવાની હોવાનું જણાવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક