• મંગળવાર, 29 એપ્રિલ, 2025

પાકિસ્તાન સાથે યુદ્ધની જરૂર નથી : સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રીનું નિવેદન પાક.મીડિયામાં છવાયુ : ભાજપે ઝાટકણી કાઢી

ઈસ્લામાબાદ તા.ર7 : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પહલગામ હુમલાને ટાંકી પૂછાયેલા એક સવાલના જવાબમાં યુદ્ધની જરુર ન હોવાનું રટણ કર્યુ હતું જે નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાઈ ગયું છે. પાકિસ્તાની મીડિયા યુદ્ધની કોઈ જરુર ન હોવાના મુદાને આ નિવેદનને આધારે જોરશોરથી ઉછાળી રહયું છે. ભાજપે સિદ્ધારમૈયાના નિવેદનને આધારે કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.

પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતની પ્રતિક્રિયા કેટલી મજબૂત હોવી જોઈએ ? તેવો પત્રકારોએ સવાલ પૂછતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે કહયું હતુ કે પાકિસ્તાન સાથે યુદ્ધની કોઈ જરુર નથી. અમે તેના પક્ષમાં નથી. આપણે કડક પગલાં લેવા જોઈએ અને ખૂદની સુરક્ષા મજબૂત બનાવવા પર ભાર મૂકવો જોઈએ. પાકિસ્તાન આર્થિક રીતે નાદારીને આરે બીમાર દેશ છે, ખાવાના ફાંફા છે તેથી તેની સામે કાર્યવાહીમાં ભારતે સાવચેતી દાખવવાની જરુર છે. તેમની આવી વાતનો વીડિયો વાયરલ થયો અને પાકિસ્તાની મીડિયા તથા સોશ્યલ મીડિયામાં ખુબ શેર કરાઈ રહ્યો છે.

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર.અશોકે કહયું કે સિદ્ધારમૈયા પાકિસ્તાનની કઠપૂતળી તરીકે નિવેદન આપી રહયા છે. એવા સમયે જયારે દેશ સંવેદનશીલ સિથતીનો સામનો કરી રહયો છે અને સરહદે યુદ્ધનો ખતરો મંડરાઈ રહયો છે. પહલગામ આતંકી હુમલામાં કર્ણાટકના બે પ્રવાસીના પણ મૃત્યુ થયા હતા. કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપ આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવીયએ સિદ્ધારમૈયાના નિવેદનને વખોડયું છે.

સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

નવી દિલ્હી, તા.ર7 : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસે માગ કરી છે. જે માટે કોંગ્રેસે અન્ય વિપક્ષી દળોનો સંપર્ક સાધ્યો છે. કાશ્મીરના લોકપ્રિય પ્રવાસન સ્થળ પહલગામમાં ગત મંગળવારે થયેલા આતંકી હુમલામાં ર6 પ્રવાસીના મૃત્યુના બનાવમાં મુખ્ય વિપક્ષી દળ ઈચ્છે છે કે મોદી સરકાર આ મુદે સંસદનું વિશેષ સત્ર બોલાવે અને જરુરી ચર્ચા કરે. કોંગ્રેસ દ્વારા આવી માગ અંગે એક પત્રનો મુસદો તૈયાર કરાઈ રહ્યો છે જે માટે અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક