નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે આફ્રિકી દેશ ઘાનાની સંસદને સંબોધન કર્યું હતું. આ સાથે જ પીએમ મોદી ત્રણ દશકમાં ઘાનાની સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય પીએમ બન્યા છે. પીએમ મોદીએ વિકાસના અલગ અલગ માધ્યમમાં આફ્રિકાને ભારતના પુરા સમર્થનનું આશ્વાસન આપ્યું હતું તેમજ મજબૂત ભાગીદારી ઉપર ભાર મુક્યો હતો. મોદીએ સંબોધનમાં ઘાનાના લોકતાંત્રિક મૂલ્યોની પ્રશંસા કરી હતી અને ભારત વિશે વાત કરતા કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર સિસ્ટમ નહી પણ સંસ્કાર છે. ઘાનાની યાત્રાએ પહોંચેલા પીએમ મોદીનું હરે રામા હરે કૃષ્ણાની ધૂન સાથે સ્વાગત થયું હતું. બાદમાં પીએમ મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં થયેલી બેઠકમાં ભારત અને ઘાના વચ્ચે સાંસ્કૃતિક ક્ષેત્ર, ચિકિત્સા ક્ષેત્ર અને દ્વિપક્ષીય સહયોગ તંત્રના ક્ષેત્ર સહિત કુલ ચાર એમઓયુ થયા હતા.
ઘાનામાં
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, દુનિયા ગ્લોબલ સાઉથને નજરઅંદાજ કરી શકે નહી.
આજે દુનિયા આતંકવાદ અને યુદ્ધ જેવી આફતનો સામનો કરી રહી છે પણ વૈશ્વિક મંચ તેને રોકવામાં
નિષ્ફળ રહ્યા છે. ગત સદીમાં બનેલા સમૂહ નિષ્ફળ બની રહ્યા હોવાથી તેમાં સુધારાની જરૂરિયાત
છે. ગ્લોબલ સૌથી વિના દુનિયાનો વિકાસ સંભવ નથી. પીએમએ આગળ કહ્યું હતું કે તેઓ 140 કરોડ
ભારતીય તરફથી ઘાના માટે શુભકામના લઈને આવ્યા છે. પીએમ મોદીએ ઘાનાના લોકતાંત્રિક મુલ્યોની
પ્રશંસા કરતા તેમને મળેલા સન્માન માટે આભાર માન્યો હતો અને સન્માન ઘાના અને ભારતની
મિત્રતાને સમર્પિત કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે લોકતંત્ર ભારત માટે એક
વ્યવસ્થા નહી પણ મુલ્યોનો હિસ્સો છે. ભારતમાં લોકતંત્ર સિસ્ટમ નહીં પણ સંસ્કાર છે.
અગાઉ
બુધવારે પીએમ મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા વચ્ચે વ્યાપક વાતચીત થઈ
હતી અને બન્ને દેશે પોતાના સંબંધોને વ્યાપક ભાગીદારી તરફ વિસ્તાર આપ્યો હતો. પીએમ મોદીએ
વાતચીત બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, બન્ને પક્ષે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય
વેપાર બમણો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.