ઈડીની ચાર્જશીટ પર ધ્યાન આપવા કોર્ટનો ઈનકાર, તપાસ ચાલુ રાખવા મંજૂરી
નવી
દિલ્હી, તા.16 : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ
પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો છે. ઇડી માટે આ ફટકા સમાન છે છતાં ગાંધી પરિવારની મુશ્કેલીઓ
હજુ દૂર નથી.
આ કેસમાં
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય સામે મની લોન્ડારિંગનો આરોપ છે. કોર્ટે જણાવ્યું
હતું કે હાલમાં સંજ્ઞાન લઈ શકાય નહીં કારણ કે ઈડીનો કેસ સુબ્રહ્મણ્યમ સ્વામીની ખાનગી
ફરિયાદ અને મેજિસ્ટ્રેટના સમન્સ ઓર્ડર પર આધારિત છે એફઆઇઆર પર નહીં. કોર્ટે ઈડીને તેની
તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. નિષ્કર્ષમાં કોર્ટે જણાવ્યું હતું કે એફઆઇઆરના અભાવે
માત્ર મની લોન્ડારિંગ તપાસ જ નહીં પરંતુ તેનાથી સંબંધિત ફરિયાદ પક્ષની ફરિયાદ જાળવી
શકાય નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી
ફરિયાદના આધારે મની લોન્ડારિંગ કેસની નોંધ લેવી કાયદેસર રીતે અસ્વીકાર્ય છે. કોર્ટે
સ્પષ્ટ કર્યું કે તેનો આદેશ આરોપોના ગુણ પર આધારિત નથી.
નેશનલ
હેરાલ્ડ કેસમાં કોર્ટના આદેશ અંગે ઈડીનાં સૂત્રો કહે છે કે, કોર્ટનો નિર્ણય ફક્ત ટેકનિકલ
આધારો પર આધારિત હતો અને કેસના ગુણ પર ટિપ્પણી કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા
અનુસાર, દિલ્હી પોલીસ એફઆઇઆર દાખલ કર્યા પછી ઈડી તેની તપાસ ચાલુ રાખશે અને દિલ્હી પોલીસ
ફાઇલ કરતાની સાથે જ નવી ચાર્જશીટ દાખલ કરશે. ઈડી દાવો કરે છે કે આ મની લોન્ડરિંગનો
સ્પષ્ટ કેસ છે અને તપાસની પરવાનગી આપવામાં આવી છે.
ઈડીની
ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, સુનિલ ભંડારી, યંગ
ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા
છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઈડીની કાર્યવાહી સંપૂર્ણપણે રાજકીય બદલો લેવા માટે
કરવામાં આવી હતી. ઈડીએ આરોપ લગાવ્યો છે કે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડએ રૂ.2000 કરોડથી
વધુની સંપત્તિ ગેરકાયદેસર રીતે જપ્ત કરી હતી.