મુંબઈ.તા.16:આઇપીએલ-2026 સીઝનના મિની ઓક્શનમાં ભારતના કેટલાક અનકેપ્ડ ખેલાડીઓ પર ધનવર્ષા થઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન 2પ.20 કરોડ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. જો કે હરાજીમાં સૌથી ચોંકાવનારા બે નામ રહ્યા હતા. પ્રશાંત વીર અને કાર્તિક શર્મા. આ બન્ને નવોદિત ખેલાડી પર સીએસકે દ્વારા એક સમાન 14.20 કરોડની બોલી લાગી ખરીદ કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર અકિબ ડારને પણ 8.40 કરોડનો જેકપોટ મળ્યો હતો. શ્રીલંકાના ઝડપી બોલર પથિરાના માટે કેકેઆરે 18 કરોડની બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો જ્યારે પૃથ્વી શો અને સરફરાઝ ખાન જેવા જાણીતા ખેલાડીઓ પ્રથમ રાઉન્ડના અંતે વેચાયા ન હતા.