જહાજ ઇઝરાયલી હોવાનો હૂતીનો દાવો: ઇઝરાયલે જહાજ પોતાનું હોવાનું નકાર્યું
તેલઅવીવ, તા.20: હમાસને સમર્થનનું એલાન કરીને યમનનાં હૂતી વિદ્રોહીઓએ હાલમાં જ ઇઝરાયલ વિરુદ્ધ મોરચો ખોલવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ધમકી પછી હૂતી આતંકીઓએ ઇઝરાયલી સેનાને નિશાન બનાવીને રોકેટ અને મિસાઇલ હુમલા પણ કરેલા. જેમાં એક ડગલું વધુ આગળ વધતા રવિવારે હૂતીઓએ દુનિયાને ચોંકાવી દીધી હતી. તુર્કીથી નીકળીને રાતા સમુદ્રમાંથી પસાર થઈને ભારતમાં ગુજરાતનાં બંદરે આવી રહેલા કથિતરૂપે ઈઝરાયલનાં એક માલવાહક જહાજનું હૂતીએ અપહરણ કરી લીધું હતું. જો કે આ ઘટના પછી ઇઝરાયલી સેનાએ અધિકૃત નિવેદનમાં બનાવને વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય ગણાવતાં જહાજ પોતાનું હોવાનું નકારી કાઢ્યું હતું. આટલું જ નહીં તેમાં કોઈ ઇઝરાયલી પણ સવાર ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
આ પહેલા હૂતી વિદ્રોહીઓએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, રાતા સમુદ્રમાં તેના દ્વારા ઈઝરાયલી જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં સવાર ચાલકદળનાં સદસ્યોને કોઈ જ નુકસાન કરવામાં આવ્યું નથી. તેમની સાથે ઈસ્લામિક મૂલ્યો અનુસાર જ વર્તાવ કરવામાં આવી રહ્યો છે.
આ જહાજનું નામ ગેલેક્સી લીડર છે અને તે બ્રિટિશ કંપનીનું જહાજ હોવાનું માનવામાં આવે છે. જો કે હૂતીઓ દ્વારા તેને ઇઝરાયલી જહાજ ગણાવવામાં આવતાં આખી દુનિયાનાં ભવાં ખેંચાઈ ગયાં હતાં, કારણ કે ગાઝામાં હમાસ વિરુદ્ધ ઇઝરાયલનાં યુદ્ધ વચ્ચે હૂતીએ ઇઝરાયલ સામે મોરચો માંડવાની ધમકીઓ ઉચ્ચારેલી છે.
જે જહાજનું અપહરણ થયું છે, તે રે કાર કેરિયર્સ નામક કંપની સાથે જોડાયેલું હોવાનું જાણવા મળે છે.
આ કંપનીની સ્થાપના ઇઝરાયલનાં કારોબારી અબ્રાહમ રામી ઉંગરે કરી હતી. કંપનીનાં નામ ઉપરથી હૂતીઓને તે ઈઝરાયલી જહાજ લાગ્યું હોવાથી તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ધારણા છે. ઇઝરાયલનાં પ્રધાનમંત્રી કાર્યાલયે પણ જહાજ ઇઝરાયલી હોવાનું ખારિજ કર્યું હતું અને કહ્યું હતું કે, તેની માલિકી બ્રિટિશ કંપનીની છે. જેને જાપાનીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને જહાજ ઉપર વિભિન્ન દેશનાં લોકો છે પણ કોઈ ઈઝરાયલી તેનાં ઉપર નથી.
ઈઝરાયલનો ટાર્ગેટ નંબરવન: હમાસનો માસ્ટર માઇન્ડ યાહયા સિનવાર
તેલઅવીવ, તા.20: હમાસને નેસ્તનાબૂદ કરવા માટે ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં ખૂંખાર હુમલો બોલાવેલો છે અને એકાદ માસ જેટલા સમયથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 12 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ નિપજી ગયાં છે. હમાસની ગુપ્ત સુરંગોને પણ ઈઝરાયલી સેના હવે નિશાન બનાવી રહી છે કારણ કે તેને શક છે કે, હમાસના ટોચના કમાન્ડરો તેમાં જ ભરાઈ બેઠેલા છે. હાલના તબક્કે ઈઝરાયલી દળોને હમાસનાં માસ્ટર માઈન્ડ યાહયા સિનવારની શોધ છે. તે પણ ગાઝાની કોઈ સુરંગમાં જ છૂપાયેલો હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયલી એજન્સીઓનાં કહેવા અનુસાર 7 ઓક્ટોબરે 1400 લોકોનો ભોગ લેનારા હમાસનાં ભયંકર આતંકવાદી હુમલામાં યાહયાની મોટી ભૂમિકા હતી.