• શનિવાર, 27 જુલાઈ, 2024

સળગેલો ગેમ ઝોન: માનવસર્જિત ડેથ ઝોન

રાજકોટના અગ્નિકાંડમાં હાઇ કોર્ટે લીધું સ્વત: સંજ્ઞાન  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને ગેમ ઝોનને લગતા તમામ દસ્તાવેજો લઈને આજે જ કોર્ટમાં હાજર થવા આદેશ

 

ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો હતા, એટલું જ નહી ઇમર્જન્સી ગેટ પણ બંધ હતો: હાઇ કોર્ટનું અવલોકન

અમદાવાદ, તા. 26: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગતા બાળકો સહિત મૃત્યુ આંક 28 થયો છે. આ ગોઝારી ઘટનાથી દેશ આખો હમચમચી ગયો છે ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇને ગુજરાત હાઈ કોર્ટે સુઓમોટો લીધી છે. હાઇ કોર્ટે નોંધ્યું છે કે, આ માનવ સર્જિત હોનારત કહેવાય, કુદરતી નહીં. 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ઘટનાની સુનાવણી હાઈ કોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. આ દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. હાઈ કોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમ ઝોન મુદ્દે જવાબ માગ્યો છે અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇ કોર્ટે આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇ કોર્ટે કહ્યુ કે, ગામિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગામિંગ ઝોન જાહેર સલામતીની દ્રષ્ટિએ જોખમી છે. રાજકોટ મુદ્દે હાઇ કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ નોંધ્યું હતું કે ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો હતા એટલું જ નહી ઇમર્જન્સી ગેટ પણ બંધ હતો.

હાઇ કોર્ટે કહ્યું કે, કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગામિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈ કોર્ટે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી  આપે તેવો આદેશ કર્યો હતો. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. આ મામલે આગામી સુનાવણી આવતીકાલે થશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગર પાલિકાના પેનલ એડવોકેટને આ અરજીની કોપી આપવામાં આવી છે અને આવતીકાલે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત હાઇ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે ગઇકાલે સાંજે અમને જ્યારે આ ઘટનાના સમચાર મળ્યા ત્યારથી ચીફ જસ્ટીસ સહિત અનેક જજીસને આ મુદ્દે મેસજ કર્યા હતા. પરંતુ રાત્રે જજીસનો સંપર્ક નહીં થતા સવારે 10 કલાકે જજીસ મળ્યા હતા અને સુઓમોટો એડમિટ કરી હતી. જેની આવતીકાલે સુનાવણી કરશે. તેમણે કહ્યું કે આ કેસમાં નિયમોનો ભંગ કરનારને છોડવા ન જોઇએ. હાલના કેસમાં કોર્પોરેશનો ઉપરાંત ફાયરનો જૂનો કેસ ચાલુ છે ત્યારે વધુ 11ને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે ગઇકાલે સાંજે જ કોર્ટ સમક્ષ દુર્ઘટના અંગેના સમાચારના કાટિંગ પણ રજૂ કર્યા હતા. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું પણ કોર્ટેને જણાવ્યું હતું.

 

દર મોટી કરુણાંતિકાની જેમ જ આ વખતે પણ એ જ રફતાર

ફરી આક્રંદ, ફરી આક્રોશ, ફરી તપાસ, ફરી કાર્યવાહી...

 

રાજકોટ, તા.26 : ગુજરાતમાં માસૂમ ભુલકાઓને ડૂબાડી દેતી વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય કે મોરબીની ઝૂલતા પુલ પરથી મોતના મુખમાં પટકાઈ પડવાની હૈયું હચમચાવી દેતી હોનારત હોય, સુરતનું તક્ષશિલા કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય... દર મોટી કરુણાંતિકાની જેમ જ આ વખતે પણ એ જ રફ્તારથી સમય પસાર થવા લાગ્યો છે. રાજકોટમાં 28 નિર્દોષ માનવ જિંદગીને જીવતી ભૂંજી નાખનાર ટીઆરપી ગેમ ઝોનનાં અતિ ભયાવહ અગનખેલમાં પણ ગઈકાલે સાંજથી ફરી આક્રંદ, ફરી તપાસ, ફરી કાર્યવાહીનો એ જ સિલસિલો ચાલુ થયો છે.

રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનનાં અગ્નિકાંડમાં ગઈકાલે સાંજે મૃત્યુઆંક વધવા લાગતા રાજ્ય સરકારે મોડી સાંજે પાંચ ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરીને 

ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે જ મધરાત્રે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સીટના અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરવા સહિતની તપાસ પ્રક્રિયા આગળ ધપાવી હતી. આ સાથે તમામ મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે ઓળખ થવી શક્ય નહીં હોવાથી ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી હતી. જેમાં અગ્નિકાંડ બાદ ગુમસુદા બનેલા લોકોના પરિવારજનનાં ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહો સાથે મેચ કરવામાં 48 કલાક જેવો સમય લાગે એમ હોવાથી આજે બીજા દિવસે પણ મૃતદેહોની ઓળખ, મૃત્યુ-આંક અને ગુમસુદાની શોધમાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હતું. જેનાં કારણે આજે બીજા દિવસે પણ પીડિત પરિવારોમાં ભારે ચિંતા, શોક, આક્રંદ સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ આજે મૃતકોના ડીએનએ રિપોર્ટ આવી ગયા હોવાની અફવાઓએ પણ તેમના પરિવારને દોડતા કર્યા હતા.

ગઈકાલે સાંજે 5 વાગ્યાના અગ્નિકાંડ બાદ આજે પોલીસે જ ફરિયાદી બનીને ટીઆરપી ટોય ગેમ ઝોનના ભાગીદારો સહિત 7 લાપરવાહો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. આ સાથે એક સંચાલક અને એક મેનેજરની ધરપકડ પણ કરી હતી. બીજી તરફ સીટના અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરવા સહિતની તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો હતો. રાજ્ય સરકારની સૂચનાનાં પગલે આજે રાજ્યભરમાં ગેમ ઝોન, મોલ, સિનેમા ગૃહો, વેકેશન મેલામાં ફાયર સેફ્ટી સહિતની બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગનાં સ્થળોએ ગંભીર લાપરવાહી સામે આવતા ક્લોઝર નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરી હતી.

અતિગંભીર અગ્નિકાંડનાં પગલે આજે ગુજરાત હાઇ કોર્ટે સુઓમોટો રીટ દાખલ કરીને રાજકોટમાં 28 લોકોને જીવતા ભડથું કરી નાખનાર બનાવને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી. આ સાથે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા મહાનગરમાં કેવા નિમયો છે ? એવો સવાલ ઉઠાવીને સરકારી તંત્ર પાસે ખુલાસો માગવામાં આવ્યો છે, જેની આજે વધુ સુનાવણી થશે.

રાજકોટમાં ગઈકાલે લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા મૃતકો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી છે. જે અનુસાર મૃતકોના પરિવારને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય પીએમએનઆરએફમાંથી અપાશે. આ દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવી હતી. તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતનાં પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું. મુખ્યમંત્રીએ આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024