દેશમાં
નિર્ભયાકાંડ સતત સામે આવી રહ્યા છે. મહિલાઓની સલામતીની બદતર હાલતની પારાશીશી બની રહેલા
દિલ્હી જેવા આવા કાંડને રોકવા માટે કડક કાયદા અને સખતી છતાં ગુનેગારો બેરોકટોક બની
રહ્યા છે. હવે કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં એક તાલીમાર્થી તબીબના બળાત્કાર
અને તે પછી નિર્મમ હત્યાના બનાવે દેશ આખાને હચમચાવી મૂક્યો છે. સોમવારથી દેશના તાલીમાર્થી
રેસિડન્ટ તબીબોએ હડતાળ પર ઉતરી જઇને તેમની સલામતી માટે ધા નાખી છે.
એક
તો મહિલા અને બીજું તબીબી વ્યવસાય, જેથી સલામતીના ખાસ ધોરણો તરફ જવાબદારોએ પૂરતું ધ્યાન આપ્યું ન હોવાનું
કોલકાતાના આ નિર્ભયાકાંડે સાબીત કરી આપ્યું છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં બનેલા આ
બનાવમાં તાલીમાર્થી મહિલા તબીબની ઉપર પહેલાં બળાત્કાર થયો અને તે પછી તેની હત્યા કરી
નખાઇ હતી. કોલેજના કોન્ફરન્સ હોલમાં હતભાગી
તબીબનો મૃતદેહ મળ્યો હતો અને તેની ચકાસણીમાં શરીરમાં ગંભીર ઇજા પહોંચાડાઇ હોવાનું સામે
આવ્યું હતું. મેડિકલ કોલેજની હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુનેગાર તરત
ઝડપી લેવાયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મામલે ખાસ કડક વલણ જાહેર
કર્યું હોવા છતાં આરોગ્યકર્મીઓ અને તબીબી વિદ્યાર્થીઓનો રોષ શાંત થયો નથી.
આ બનાવની
તપાસ માટે રાજ્ય સરકારે સાત સભ્યની એક ખાસ ટુકડી રચી છે. મુખ્યમંત્રીએ પીડિતાના પરિવારની
ઇચ્છા હોય, તો સીબીઆઇને તપાસ સોંપવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, સરકારે આ મામલામાં ઢાંકપિછેડો
કરવાનો કોઇ પ્રયાસ કર્યો નથી. પણ આ બનાવે વધુ
એક વખત મહિલાઓની અને તબીબોની સલામતીનો મુદ્દો ફરીવાર ગંભીરતા સાથે છતો થયો છે.
સ્વાભાવિક
રીતે આ બનાવથી દેશની મહિલાઓમાં તો રોષ છે, તેની સાથોસાથ આરોગ્યકર્મીઓ તેમાં પણ ખાસ
કરીને રેસિડન્ટ તબીબોમાં ભારે ગુસ્સો છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ
એસોસિયેશન દ્વારા સોમવારથી દેશવ્યાપી હડતાળ પાળવામાં આવી છે. આ સંગઠન પીડિતાને ન્યાયની
સાથોસાથ આરોગ્યકર્મીઓની સલામતી માટે કાયમી વ્યવસ્થાની માંગ કરી રહ્યંy છે.
દેશમાં
મહિલાઓમાં જેવી રીતે અસલામતીની લાગણી દિવસોદિવસ તીવ્ર બની રહી છે, એવી હાલત આરોગ્યકર્મીઓની
પણ છે. હોસ્પિટલોમાં દર્દીઓના સગાથી માંડીને રાજનેતાઓ સહિતના રોષનો ભોગ આ કર્મીઓ બનતા
રહે છે. બનાવો વધી જાય એટલે આરોગ્ય સેવાઓને ઠપ કરવાની હડતાળ પડે. વ્યવસ્થા તંત્ર સલામતીની
નક્કર વ્યવસ્થાની ખાતરી આપે અને પછી વિસરી જાય.
આ એક કડવા ચક્રને રોકીને ખરા અર્થમાં આરોગ્યકર્મીઓની માટે કાયમી સલામતી વ્યવસ્થા
ઊભી કરવા પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંકલિત રીતે મંથન કરવાની જરૂરત છે, તો કોલકાતાના
બનાવે મહિલાઓની સામેના યૌન અપરાધો કાબૂમાં આવતા ન હોવાની વાસ્તવિક્તા પણ છતી કરી છે.
નિર્ભયાકાંડ બાદ દેશભરમાં મહિલા સલામતીના મામલે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કડક કાયદા
પણ બન્યા ખાસ વ્યવસ્થા પણ ઊભી કરાઇ. આ બધા છતાં અપરાધીઓને કાયદાની ધાક રહી ન હેવાની
પ્રતીતિ મહિલાઓમાં વધી રહેલી અસલામતીથી થાય છે. આ બાબતે પણ સરકારે વધુ એક વખત આત્મખોજ
કરવાની જરૂરત છે.