• શુક્રવાર, 06 માર્ચ, 2026

સમુદ્રમાં ભટકતા રશિયન ઓયલ ટેન્કર્સ ભારત તરફ વળ્યાં !

14 લાખ બેરલ ક્રૂડ ભરેલા બે ટેન્કર ભારત પહોંચ્યાનો રિપોર્ટ : વધુ એક જહાજે પકડયો ભારતનો રસ્તો

 

નવી દિલ્હી, તા. 5 : ઈરાનમાં ચાલી રહેલા અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે મહિનાઓથી ભારતના દરિયા નજીક ભટકી રહેલાં રશિયન ઓયલ જહાજોને ખરીદદાર મળી ગયું છે. જહાજોના ટ્રેકિંગ સંબંધિત આંકડા અનુસાર જે બે રશિયન ઓઈલ કાર્ગો જહાજોએ પહેલાં પૂર્વી એશિયાને પોતાનું ગંતવ્ય સ્થળ બતાવ્યું હતું, તેણે હવે ભારત તરફનો રસ્તો પકડયો છે. જેનાથી સંકેત મળી રહ્યો છે કે મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે ભારત રશિયાના ઓયલની ખરીદી ફરીથી વધારવા તરફ આગળ વધી રહ્યું છે.

ક્રૂડ ટેન્કર્સ ઉપર નજર રાખતા કેપ્લસર અને વોરટેક્સાના આંકડા અનુસાર, રશિયન ક્રૂડ યૂરાલ ગ્રેડના અંદાજિત 14 લાખ બેરલ લઈ જઈ રહેલા બે ટેન્કર ચાલુ અઠવાડીયે ભારતીય પોર્ટે બેરલ ઉતારવાના છે. આ પહેલા જહાજોએ સંકેત આપ્યો હતો કે તે પૂર્વી એશિયા તરફ જઈ રહ્યા છે. યુરાલ તેલ બાલ્ટિક અને બ્લેક સીથી લોડ થાય છે અને ભારતીય રિફાઇનરીઓ અમેરિકી પ્રતિબંધો આકરા થતાં પહેલા ભારે માત્રામાં તેની ખરીદી કરતી હતી. જો કે અમેરિકી દબાણ બાદ ભારત દ્વારા યુરાલ ક્રૂડની ખરીદીમાં કમી આવી હતી.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 7,30,000 બેરલ ઓયલ લઈ જઈ રહેલું સુએઝમેક્સ ટેન્કર ‘ઓડયૂન’ બુધવારે ઓરિસના પારાદીપ પોર્ટે પહોંચી ગયું હતું. જો કે બેરલ ઉતર્યા છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. આ ઉપરાંત 7 લાખથી વધારે બેરલ લઈ જઈ રહેલું ટેન્કર ‘મતારી’ ગુરુવારે વાડીનાર પોર્ટ પહોંચવાનું હતું.

રિપોર્ટ અનુસાર સ્થળમાં વધુ બદલાવ પણ થઈ શકે છે. જહાજ ટ્રેકિંગ ડેટા અનુસાર અરબ સાગરમાં રહેલું ટેન્કર ‘ઇન્ડ્રી’ પહેલા સિંગાપુર તરફ જઈ રહ્યું હતું, જહાજમાં 7.30 લાખ બેરલ યુરાલ હતું અને ચાલુ અઠવાડીયે જહાજ અચાનક જ ઉત્તર તરફ વળ્યું હતું અને ભારત તરફ આગળ વધી રહ્યું હતું.

 

ભારતની મદદ કરવા તૈયાર રશિયા

 

સૂત્રો અનુસાર રશિયાએ જરૂરિયાત અનુસાર ક્રૂડ પહોંચાડવા તૈયારી બતાવી

નવી દિલ્હી, તા. 5 : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હોર્મુઝમાં તેલ ટેંકરોની અવરજવર રોકી દેવામાં આવી છે. જેનાથી ભારત સહિત દુનિયાભરમાં આગામી સમયમાં તેલ સંકટ પેદા થઈ શકે તેમ છે. જો કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પર્યાપ્ત ક્રૂડ હાજર છે, જો કે યુદ્ધ લાંબું ખેંચાશે તો સંકટ વધી શકે છે. આ દરમિયાન ભારતની મદદ કરવા માટે ફરી એક વખત રશિયા આગળ આવ્યું છે. રશિયાએ કહ્યું છે કે તે ભારતમાં ક્રૂડ મોકલવા માટે તૈયાર છે. ભારતીય પાણી નજીક જહાજોમાં લગભગ 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓયલ છે અને અમુક અઠવાડિયામાં જ ભારત સુધી પહોંચી શકે છે.

સુત્રો દ્વારા રશિયન મદદના અહેવાલો સામે આવ્યા છે. જો કે આ રશિયન ફલીટના કાર્ગો કયાં જઈ રહ્યા હતા તે જાહેર કરવાનો ઈનકાર કરી દેવાયો છે. ભારત પાસે અત્યારે 25 દિવસ ચાલે તેટલો ક્રૂડનો ભંડાર છે. ભારત સરકારના સૂત્રો અનુસાર સરકાર બીજા સપ્લાઈની તલાશ કરી રહી છે. ઈરાન અમેરિકાના યુદ્ધની માર્કેટ ઉપર તરત જ અસર થઈ શકે છે કારણ કે ભારતનું 40 ટકા ક્રૂડ ઈમ્પોર્ટ હોમુર્ઝ સ્ટ્રેટ મારફતે થાય છે. જે દુનિયાનો સૌથી જરૂરી ઓયલ એક્સપોર્ટ રૂટ છે. હવે આ રસ્તો બંધ થતા બીજા વિકલ્પો શોધવાની જરૂર પડી રહી છે.

ઈન્ડસ્ટ્રીઝ સોર્સ અનુસાર રશિયા ભારતની જરૂરિયાતને 40 ટકા સુધી સંતોષવા માટે તૈયાર છે. ડેટાથી જાણવા મળે છે કે જાન્યુઆરી મહિનામાં ભારતની રશિયન ક્રૂડની આયાત 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ રહી હતી. જે નવેમ્બર 2022 પછીથી સૌથી ઓછી આયાત છે. જો કે ફેબ્રુઆરીમાં ફરીથી તેમાં વધારો થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક