• શુક્રવાર, 06 માર્ચ, 2026

પાકિસ્તાનના મિત્ર અજરબૈજાન ઉપર ઈરાનનો હુમલો

અજરબૈજાન ઉપર ડ્રોન છોડયા : ઈરાની રાજદૂત બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, તા. 5 : ઈરાન ઉપર ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ ખાડી વિસ્તારમાં યુદ્ધ સતત ભડકી રહ્યું છે. આ યુદ્ધની આગમાં ઘણા દેશ સળગી રહ્યા છે અને તેમાં નવું નામ અજરબૈજાનનું સામેલ થયું છે. અહેવાલ અનુસાર ઈરાને અજરબૈજાન ઉપર ડ્રોન હુમલો કર્યો છે. અજરબૈજાને આ હુમલા મુદ્દે સ્પષ્ટીકરણ માટે ઈરાનના રાજદૂતને સમન કર્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન અજરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને ઈસ્લામાબાદથી સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી. હવે ઈરાને પાકિસ્તાનના જ મિત્રને યુદ્ધમાં નિશાન બનાવી દીધું છે.

અજરબૈજાનના વિદેશ મંત્રાલયે આરોપ મુક્યો છે કે તેના સ્વાયત ક્ષેત્ર નખચીવાન ઓટોનોમસ રિપબ્લિક ઉપર ડ્રોન હુમલા ઈરાનની સરહદમાંથી કરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર આ ઘટના ક્ષેત્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ મામલાને લઈને અજરબૈજાને ઈરાન સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે અને સ્થિતિમાં સ્પષ્ટીકરણ માગતા ઈરાનના રાજદૂતને તલબ કર્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આવી ઘટનાઓ બન્ને દેશના સંબંધો ઉપર નકારાત્મક અસર પહોંચાડી શકે છે અને ક્ષેત્રમાં તનાવ વધારી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક