ઈરાની સેનાનું મહત્ત્વનું એલાન : અન્ય
દેશોને રાહત, ભારત પહોંચી શકશે ક્રૂડ
નવી
દિલ્હી, તા. 5 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી
ગાર્ડ કોરે એક મોટી ઘોષણા કરી છે. જે ભારત માટે ખુશખબર બની શકે છે. હકીકતમાં ઈરાને
કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેના પશ્ચિમી સહયોગી
જહાજો માટે જ પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. આ એલાન ગુરૂવારે સરકારી પ્રસારક આઈઆરઆઈબીના
માધ્યમથી કરવામાં આવ્યું હતું.
આઈઆરજીસીએ
સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા, ઈઝરાયલ, યૂરોપ અથવા તેના કોઈપણ સમર્થક દેશનું
જહાજ મહત્ત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર કરવાની કોશિશ કરશે તો તેના ઉપર નિશ્ચિત રીતે હુમલો
કરવામાં આવશે અને નષ્ટ કરી દેવાશે. આ પહેલા બુધવારે આઈઆરજીસીએ કહ્યું હતું કે હોર્મુઝ
સ્ટ્રેટ માત્ર ચીન માટે બંધ નથી. નવા એલાન બાદ સાફ થયું છે કે ભારત પણ સખતીથી બહાર
છે અને ઓઇલ ભારતને મળી શકશે. ઈરાની અધિકારીઓએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અને
સંબંધિત પ્રસ્તાવો અનુસાર યુદ્ધકાળમાં ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરને નિયંત્રિત
કરવાનો પુરો અધિકાર છે. આઈઆરજીસીએ દોહરાવ્યું હતું કે, તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે
કે ઈરાનનો હોર્મુઝ ઉપર હક્ક છે. આ ઘોષણા અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર શરૂ થયેલા
સૈન્ય અભિયાન બાદ સામે આવી છે. આ કાર્યવાહી બાદ હોર્મુઝ સ્ટ્રેટ વ્યાવહારિક રૂપથી બંધ
થયું હતું.