• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

હવે ડૉક્ટરોએ દર્દીઓનો વિચાર કરવો જોઈએ

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરોએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં કામ પર પાછા ફરવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી થાય નહીં અને આરજી કર હૉસ્પિટલની પીડિતાને ન્યાય મળે નહીં, ત્યાં સુધી તેઓ કામ બંધ રાખશે. કોલકાતાના પોલીસ કમિશનર, રાજ્ય સ્વાસ્થ્ય સચિવ, સ્વાસ્થ્ય શિક્ષણ ડિરેક્ટર અને સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટરને તેમનાં પદોથી દૂર કરવાની માગ પણ છે. કોલકાતાની કૉલેજમાં બનેલી દર્દનાક ઘટનાને મહિનાથી વધુ સમય થઈ ગયો તો પણ સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી અને સમયસીમા નક્કી થયા પછી પણ ડૉક્ટરો કામે નથી ચઢતા તો આ ખરેખર ચિંતાની બાબત છે.

સંદિગ્ધ આરોપી છ કલાકની અંદર કોલકાતા પોલીસ દ્વારા પકડાયો, કોલકાતા હાઈ કોર્ટ દ્વારા કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ અને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કૉલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ થઈ તો પણ આક્રોશિત ડૉક્ટરોને વિશ્વાસ નથી. આ ‘અવિશ્વાસ’ સંપૂર્ણ તંત્ર પર ગંભીર ટિપ્પણી છે. સરકાર-ડૉક્ટરોના ટકરાવના કારણે પશ્ચિમ બંગાળમાં દર્દીઓ ભોગ બન્યા છે. હડતાળના કારણે રાજ્યમાં 23 દર્દીઓનાં મોત થયાં છે. એમાં બેમત નથી કે ‘આરજી કર’ કૉલેજ અને હૉસ્પિટલની ઘટનાના કેસમાં પશ્ચિમ બંગાળ સરકારની અસંવેદનશીલતાએ અધિક જટિલ બનાવ્યું છે.

આ ઘટના કોલકાતામાં બની અને સરકાર જાણતી હતી કે જો ડૉક્ટર આંદોલન કરશે તો આખા રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓ કથળી જશે. તેની પાસે બહાનું પણ નથી કે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ બાધિત થવાથી સમાજના સૌથી વધુ ગરીબ વર્ગને વધુ પીડા ભોગવવી પડે છે. આમ છતાં સાથી ડૉક્ટરનાં મોતથી રોષે ભરાયેલા ડૉક્ટરોના મર્મને મલમપટ્ટી કરવાના બદલે તૃણમૂલ કૉંગ્રેસના કેટલાક પ્રધાનો, સાંસદો તેમના જખમ પર મીઠું ભભરાવવા જેવાં શબ્દબાણ ચલાવતાં રહ્યાં. પરિણામે આંદોલનકારી ડૉક્ટરો અને આમજનતામાં એ જ સંદેશ ગયો કે પીડિતાને ન્યાય આસાનીથી નહીં મળી શકે, આ માટે આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે.

કેસ હવે સીબીઆઈ હસ્તક છે, જેનું નિયંત્રણ મમતા સરકારના હાથમાં નથી. સ્વયં સુપ્રીમ કોર્ટ આ એજન્સી પાસેથી રિપોર્ટ માગી રહી છે, આમ છતાં આંદોલનકારી ડૉક્ટરો કેમ સંતુષ્ટ નથી થતા? તેમને એ સમજવાનું રહેશે કે ન્યાયની કોઈપણ માગ નૈતિકતા વિહીન ન હોઈ શકે. પીડાથી કણસતા દર્દીઓ પ્રતિ પણ તેમના કેટલાંક દાયિત્વ છે. બન્ને પક્ષોએ ટકરાવને બદલે ઉકેલ માટે સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક