વર્તમાન
વર્ષમાં આર્થિક વિકાસ ધીમો પડશે એ રિઝર્વ બેન્ક પણ હવે સ્વીકારે છે. આમ છતાં વ્યાજદર
ઘટાડવાના દબાણને તાબે થવાનો ઇન્કાર કરીને તેણે ઠંડી મક્કમતા બતાવી છે. શુક્રવારે જાહેર
થયેલી નાણાનીતિમાં રેપો રેટ 6.5 ટકા પર યથાવત રખાયો છે, જો કે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)
4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કરાયો છે. રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષના વિકાસદરનો
અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે જયારે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને
4.8 ટકા કર્યો છે.
વિકાસ
અને ફુગાવા વચ્ચેનો કાયમી ગજગ્રાહ આ વખતે અત્યંત તીવ્ર હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકનો
આર્થિક વિકાસદર 5.4 ટકા આવ્યો જે સાત ત્રિમાસિકમાં સૌથી નીચો છે. અગ્રણી અર્થશાસ્ત્રીઓ
અને દેશીવિદેશી સંસ્થાઓએ ભારતના વિકાસદરના અંદાજો ઘટાડ્યા છે. સાત ટકાને બદલે હવે
6.5 ટકાનો વિકાસદર વધુ વાસ્તવિક જણાય છે. આ સંજોગોમાં રિઝર્વ બેન્ક પર વ્યાજદર ઘટાડવાનું
દબાણ આવે તે સ્વાભાવિક હતું. ખુદ નાણાપ્રધાન નિર્મલા સીતારામને અને વાણિજ્ય મંત્રી
પીયૂષ ગોયલે જાહેરમાં દર ઘટાડવાની હિમાયત કરી. અમેરિકા અને અન્ય વિકસિત દેશોનો હવાલો
પણ અપાયો.
જો કે
ગવર્નર શક્તિકાંત દાસે અગાઉથી જ ચોખવટ કરી દીધી હતી કે હાલના તબક્કે વ્યાજદર ઘટાડવામાં
જોખમ છે કેમ કે ફુગાવો, ખાસ કરીને ખાદ્ય પદાર્થોનો ફુગાવો મચક આપતો નથી. ઓક્ટોબરનો
છૂટક ફુગાવો 6.21 ટકા આવ્યો જે રિઝર્વ બેન્કની નિયત મર્યાદાથી ક્યાંય ઊંચો છે. ખાદ્ય
પદાર્થોનો ફુગાવો તો 10.87 ટકા હતો. ફુગાવાને કારણે લોકોની ખરીદશક્તિ ઘસાય છે તેથી
માગ મંદ પડે છે જે વિકાસને અવરોધે છે. ખાધાખોરાકી પાછળ બીજી બધી ચીજોના ભાવ ઊંચકાય
છે અને લોકોની ધારણાઓ પણ ફુગાવાતરફી જ બની જાય છે. આ સંજોગોમાં નાણાનીતિ સમિતિએ દર
યથાવત રાખવાનું મુનાસિબ માન્યું છે.
કેશ
રિઝર્વ રેશિયો (બેન્કોએ તેમની કુલ ડિપોઝિટોનો જે હિસ્સો રિઝર્વ બેંકમાં રોકડ ડિપોઝિટ
તરીકે રાખવો પડે છે તે) 4.5 ટકાથી 4 ટકા કરાયો છે તેનાથી નાણાંવ્યવસ્થામાં રૂ.
1.16 લાખ કરોડની વધારાની રોકડ આવશે. બજારમાં નાણાભીડ ઘટશે અને બેન્કોને ધિરાણ માટે
વધુ મૂડી ઉપલબ્ધ થશે. બેન્કિગ વ્યવસ્થામાં વધારાની રોકડનું પ્રમાણ સપ્ટેમ્બરના અંતના
રૂ. 4.5 લાખ કરોડથી ઘટીને હાલ રૂ. 1.2 લાખ કરોડ થઇ ગયું હોવાથી સીઆરઆરનો ઘટાડો જરૂરી
બની ગયો હતો.
બંને
મહત્ત્વના નિર્ણયો પાછળ વિદેશી મુદ્રા બજારની ખાસ ભૂમિકા છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશી
બજારોમાં ડોલર મજબૂત થઇ જવાથી ડોલર સામે રૂપિયો ગગડીને સર્વકાલીન તળિયે પટકાયો છે.
રૂપિયાને ટકાવવવા માટે રિઝર્વ બેન્ક અબજો ડોલર બજારમાં વેચે છે તેથી બજારમાંથી રૂપિયા
ખેંચાઈ જાય છે અને નાણાભીડ સર્જાય છે. રિઝર્વ અત્યારે વ્યાજદર ઘટાડે તો અમેરિકા અને
ભારતના વ્યાજદર વચ્ચેનો તફાવત વધુ પહોળો બને અને રૂપિયાના પતનને નવો વેગ મળે. આ દ્રષ્ટિએ
પણ વ્યાજદર ટકાવવાની અને પ્રવાહિતા વધારવાની જરૂર હતી.
શક્તિકાંત
દાસની મુદ્દત 10 ડિસેમ્બરે પૂરી થાય છે. તેમને નવો મુદ્દતવધારો મળવા વિષે હજી સુધી
અનિશ્ચિતતા છે. આ સંજોગોમાં તેમણે પ્રધાનોની ભલામણ ન માનવાનો નિર્ણય લીધો તેનાં વિવિધ
અર્થઘટન થશે. પણ તેમની આગેવાનીમાં નાણાનીતિ સમિતિએ લીધેલા નિર્ણયો અર્થતંત્રના એકંદર
હિતમાં છે તે નોંધવું રહ્યું. વિકાસ અને ફુગાવાના રિઝર્વ બેન્કના સુધારેલા અંદાજો વધુ
વાસ્તવિક છે.