• રવિવાર, 13 જુલાઈ, 2025

તૈયબા અને જૈશ હવે નેપાળનાં રસ્તે ભારતમાં હુમલા કરવાની ફિરાકમાં !

નેપાળનાં રાષ્ટ્રપતિનાં સલાહકારે આપી ચેતવણી :

નેપાળ-ભારતની લાંબી સીમા ઉપર વધતી આતંકી હિલચાલ

 

નવી દિલ્હી, તા.12: પાકિસ્તાની આતંકવાદી સંગઠન ભારતમાં મોટો હુમલો કરવાની સાજિશ રચી રહ્યાં છે. આ કાવતરાખોર જૂથોમાં ઓપરેશન સિંદૂરમાં સૌથી વધુ હાનિ જેને થઈ તે હાફિઝ સઇદનું લશ્કર-એ-તૈયબા(એલઈટી) અને મસૂદ અઝહરનું જૈશ-એ-મોહમ્મદ(જેએમ) મુખ્ય છે. આ જૂથો ભારતમાં મનસૂબાને પાર પાડવા માટે નવો પ્લાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનથી સીધી ઘૂસણખોરી કરવાનાં બદલે નેપાળ થઈને ભારતમાં પ્રવેશવાની યોજના છે.  આ ખતરાનો અંદેશો નેપાળના જ એક વરિષ્ઠ અધિકારીએ આપ્યો છે.

નેપાળના રાષ્ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ ચેતવણી આપી છે કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ભારતમાં ઘૂસવા માટે નેપાળનો ઉપયોગ પરિવહન માર્ગ તરીકે કરી શકે છે.  થાપાએ 9 જુલાઈએ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક ઉચ્ચસ્તરીય સેમિનારમાં આ વાત કહી હતી. થાપાએ ધ્યાન દોર્યું હતું કે ભારત અને નેપાળની લાંબી સરહદ છે અને તાજેતરના સમયમાં નેપાળમાં આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ વધેલી જોવા મળી છે.

તેમણે આતંકવાદનો સામનો કરવા માટે નેપાળ અને ભારત વચ્ચે મજબૂત સહયોગની અપીલ કરી હતી. તેમણે મની લોન્ડારિંગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સરહદો પર સંયુક્ત પેટ્રાલિંગ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેણે આતંકવાદનો સામનો કરતી વખતે બેવડા ધોરણો ટાળવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે 1,751 કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ છે. આ શ્રેણી ન્યૂનતમ સુરક્ષા તપાસ સાથે સંચાલિત થાય છે. આ ખુલ્લી સરહદ આતંકવાદીઓ માટે ભારતમાં ઘૂસણખોરી કરવાનું સરળ બનાવે છે, જેઓ ઘણીવાર તેમની ઓળખ છુપાવવા માટે બનાવટી નેપાળી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નેપાળ થઈને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક