• રવિવાર, 13 જુલાઈ, 2025

ઓપરેશન સિંદૂર ઉપર અજિત ડોભાલની ટિપ્પણી પાક.ને ખૂંચી

ભારતે જવાબદાર કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂક્યો

નવી દિલ્હી, તા.12: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ‘ઓપરેશન સિંદૂર’ પર નિવેદન પાકિસ્તાનને ખૂંચી ગયું છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે ડોભાલે જૂઠ અને ખોટી રજૂઆતનો આશરો લીધો છે.  શુક્રવારે ડોભાલે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકી લોન્ચ પેડનો ચોકસાઈ સાથે નાશ કર્યો હતો. બીજી તરફ, સંઘર્ષ દરમિયાન ભારતને કોઈ હાનિ થઈ ન હતી.  ભારતમાં એક પણ કાચ તૂટ્યો ન હતો.

પાકિસ્તાને ડોભાલના એ દાવાને ખારિજ કર્યો છે કે, ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે સફળતાપૂર્વક લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું હતું કે, ડોભાલનું નિવેદન જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.  તે એક જવાબદાર દેશ દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન પણ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં ભારત પર સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રવક્તા શફકતએ કહ્યું કે ડોભાલનું નિવેદન જવાબદાર કૂટનીતિના ધોરણોને તોડે છે. ભારત દ્વારા આવા સૈન્ય હુમલાનું મહિમામંડન સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન છે.

ઇ-પેપરના નવા શુલ્ક