• રવિવાર, 13 જુલાઈ, 2025

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું વધુ જોર રહેશે : આજે અરવલ્લી, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ

 

અમદાવાદ, તા.12 : ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી છૂટાછવાયા વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. 

            આવતીકાલે  રવિવારે, 13 જુલાઈના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી (જુઓ પાનું 10)

ભરાવાનો ખતરો રહેશે.

            હવામાન વિભાગની આગાહી મુજબ, 14 અને 15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓ - પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન, ખેડૂતો અને નાગરિકોને ખાસ સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.

            16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. આ દિવસે હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું ઓછું રહેવાની શક્યતા છે.

            હવામાન વિભાગે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, ખેતરોમાં જરૂરી વ્યવસ્થા કરવા અને વીજળીના થાંભલાઓથી સુરક્ષિત અંતર જાળવવા જણાવ્યું છે.

 

 

બાબરામાં 3 ઈંચથી વધુ, ઉના પંથકમાં લાંબા સમય પછી બે ઈંચ મેઘમહેર

 

ગારિયાધાર-ડોળાસામાં એક, તળાજા અને મહુવામાં અડધો ઇંચ વરસાદ

 

રાજકોટ, તા.12 : સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજા વિરામ લીધા વગર મહેર વરસાવી રહ્યા છે. જેમાં આજરોજ ભાવનગર પંથક, સોરઠમાં વિશેષ હેત વરસાવ્યું હતું. ઉનામાં બે ઈંચ તેમજ ગિરનાર પર્વત પર પણ મેઘરાજા ધોધમાર 3 ઈંચ વરસી પડયા હતા, જ્યારે બાબરામાં 3 ઈંચથી વધુ તેમજ ભાવનગરના પાલિતાણામાં દોઢ ઈંચ જળવર્ષા થઈ હતી.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતે. આજે બપોરે પાલિતાણામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો.  સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના પાલિતાણામાં33, તળાજા 11, મહુવા 16 જેસરમાં 2, ઉમરાળામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગારિયાધાર :  ગારિયાધાર શહેર અને પંથકમાં આજે સાંજે પાંચ કલાકના સુમારે ઘનઘોર અંધારા સાથે મેહુલિયો વરસી પડયો હતો જેમાં શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો હતો. સુરનિવાસ ગામ ખાતે 3 ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો જ્યારે સરકારી ચોપડે ફક્ત 10 મિમિ વરસાદ નોંધાયો હતો. પંથકના પીપળવા, માંગુકા અને આણંદપુર ખાતે પણ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ વરસાદથી સુરનિવાસની બજારોમાં પાણી ફરી વળ્યા હતા ખાનગી સ્કૂલની બસ બંધ થઈ ગઈ હતી ગ્રામ્ય વિસ્તારમાં તળાવો અને ચેક ડેમોમાં બીજી વખત છલકાયા હતા સાથે પરવડી, પાંચટોબરા, રતનવાવ અને ભમરિયા સહિતના ગામોમાં પણ સારો એવો વરસાદ પડયો હતો.

ઉના: ઉના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ શનિવારે બપોરે મેઘરાજા બે ઈંચ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ભૂમિપુત્રો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ સાથે ઉના પંથકમાં મૌસમનો કુલ 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

બાબરા : બાબરામાં દિવસભર બફારા બાદ સાંજે 3 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાં વરસ્યા હતા. આ વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. એકધારે વરસેલા વરસાદથી મગફળી, કપાસના પાકમાં ફાયદો થશે.

ડોળાસા : કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં દિવસ દરમ્યાન એક ઈંચ વરસાદ થયો છે. અષાઢ માસ અર્ધો વીતી ગયો પણ ડોળાસા વિસ્તારમાં મેઘરાજા હજુ મન મૂકી ને વરસ્યા નથી. હાલ તુરત મોલાત ને ટેકો મળી ગયો છે. પણ નદી, નાળા, ડેમ, તળાવ સાવ ખાલી છે.

ઉમરાળા : ઉમરાળામાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ત્યાર પછી પણ વરસાદ ચાલુ રહ્યો હતો.

જૂનાગઢમાં અડધો ઈંચ

જૂનાગઢ : આજે ગિરનાર પર એક કલાકમાં ધોધમાર બે ઈંચ તથા જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ વરસતા ઝરણા વહેવા લાગ્યા હતા. સવારથી બપોર સુધી સૂર્યનારાયણે દર્શન દીધા બાદ ઢળતા બપોરે એકાએક મેઘમહેર ઉતરી પડી હતી. જૂનાગઢમાં 15 મિનિટમાં અડધો ઈંચ જ્યારે માળિયામાં ભારે ઝાપટું વરસ્યું હતું.

કોટડાપીઠા: બાબરાના કોટડાપીઠા સહિતના પંથકમાં સાંજથી રાત સુધીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જેનાથી ખેડૂતો આનંદમાં આવી ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક