• રવિવાર, 13 જુલાઈ, 2025

બોઈંગ 787માં ફ્યૂલ સપ્લાયમાં ફોલ્ટની ચેતવણી 2018માં અપાયેલી !

-અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં પ્રાથમિક તપાસ અહેવાલ પછી બોઈંગ સામે ઉઠતો ગંભીર સવાલ

 

 

નવીદિલ્હી, તા.12: અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાનાં બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનમાં આખરે ઈંધણનો પુરવઠો અટકી શા માટે ગયો? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)નાં પ્રાથમિક તપાસ અહેવાલ પછી આ સવાલ સૌથી મહત્વનો બની ગયો છે.

પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171એ 12 જૂને અમદાવાદના રનવે પરથી ઉડાન ભર્યાના સાત સેકન્ડ પછી બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના બંને એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો.  તે એક સેકન્ડમાં બંધ થઈ ગયું હતું. કોકપીટ વોઈસ રેકોર્ડિંગમાં બન્ને પાયલટ વચ્ચે ફ્યૂલ સ્વીચ બંધ થવાની વાત સાંભળવા મળે છે. જેને પગલે બોઈંગ સામે શંકા અને સવાલ વધુ ગંભીર બની જાય છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા 2018માં બહાર પાડવામાં આવેલા વિશેષ માહિતી બુલેટિનમાં બોઇંગ 787 વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લાકિંગમાં ખામીની ચેતવણી આપવામાં આવી હતી. તો શું બોઈંગ તરફથી આ ચેતવણીને અવગણવામાં આવી રહી હતી કે કેમ તે ગંભીર તપાસનો વિષય બની જાય છે.

નાગરિક ઉડ્ડયન નિષ્ણાત સનત કૌલે પણ વિમાન દુર્ઘટના વિશે વધુ એક નવી માહિતી આપતા કહ્યું છે કે, તપાસનો અહેવાલ સૂચવે છે કે વિમાનના એન્જિનને ઇંધણનો પુરવઠો ટેકઓફ કરતી વખતે અચાનક બંધ થઈ ગયો હતો અને વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. અત્યાર સુધી જાણવા મળેલી વિગતો વિમાન તૂટી પડવાનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં.  એન્જિનનું બળતણ કાં તો અકસ્માતે બંધ થઈ ગયું અથવા ત્યાં કંઈક થયું, જેના વિશે બંને પાયલોટને કંઈ ખબર ન પડી. આવું પહેલીવાર નથી થયું.  ભૂતકાળમાં પણ આવા બે બનાવ બનેલા જેમાં ટેકઓફ કર્યા પછી વિમાન તૂટી પડ્યા. બંને કિસ્સાઓમાં આખરે એવું બહાર આવ્યું હતું કે બોઈંગ 737ની મહત્તમ આવૃત્તિઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા.  જેનાથી પાયલટ વાકેફ ન હતાં કારણ કે ખર્ચ બચાવવા માટે બોઈંગે આની કોઈ તાલીમ આપેલી નહોતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક