કોલકત્તા, તા.પ : પશ્ચિમ બંગાળના
મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેના ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચે કોલ્ડ વોર શરૂ થયાનો
એક અહેવાલમાં દાવો કરાયો છે. કહેવાય છે કે બન્ને વચ્ચે કોઈ મુદ્દે ખટરાગ સર્જાયો છે
જેની અસર તૃણમૂલ કોંગ્રેસ પર પડી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જી
બાદ અભિષેક બીજા ક્રમના સૌથી મોટા નેતા છે અને કલાકારોના બહિષ્કાર મુદ્દે તેઓ નારાજ
હોવાનું કહેવાય છે. પાર્ટીના કેટલાક નેતાઓએ આરજી કર રેપ-મર્ડર કેસમાં મમતા સરકારનાં
વલણની નિંદા કરનારા કલાકારોનો બહિષ્કાર કર્યો છે, પરંતુ અભિષેક બેનર્જી આવું નથી ઈચ્છતાં.
કોલકત્તામાં જારી બહિષ્કારને પગલે એક સ્થાનિક ટીએમસી કોર્પોરેટર દ્વારા ગાયિકા લગ્નજીતા
ચક્રવર્તીનો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનાર કાર્યક્રમ રદ કરાયો હતો.
ત્યાર બાદ પ્રવક્તા કુણાલ ઘોષે
એક્સ પોસ્ટ કરી હતી કે લોકો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે અને કલાકારોને માર્ચ કાઢવાની
આઝાદી છે. જો કે તેમણે કહ્યું કે જે કલાકારોએ જાણી જોઈને બદનામી કરી, મુખ્યમંત્રી,
સરકાર અને પાર્ટી પર પ્રહાર કર્યા, સરકાર પાડવાની વાત કરી, તૃણમૂલ સમર્થકોનું અપમાન
કર્યું અને ખોટી માહિતી ફેલાવી તેમને તૃણમૂલ નેતાઓ તરફતથી આયોજિત કોઈપણ મંચ ઉપર દેખાવા
ન જોઈએ. તેમનો બહિષ્કાર કરવામાં આવવો જોઈએ. બાદમાં ઘોષની વાત પર અભિષેક બેનર્જીએ સવાલ
ઉઠાવ્યો કે શું કોઈએ પાર્ટી તરફથી આવું કહ્યું ? શું તમે આવી કોઈ નોટિસ જોઈ છે ? શું
મમતા બેનર્જી કે મેં કંઈ કહ્યું ? હું કોઈને મજબૂર કરવા નથી ઈચ્છતો કે તે ક્યાં કોની
સાથે ક્યારે જશે ? સૌને આઝાદી છે.