અમરેલી સરઘસ કાંડની પીડિત પાટીદાર યુવતીએ કૌશિક વેકરિયાને 3 પાનાનો પત્ર લખ્યો
રાજકોટ,
તા.5 : ‘મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી છે. ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું
ઉલ્લંઘન કરીને અડધી રાતે મારી ધરપકડ કરવામાં આવી, દંડા મારીને ડરાવીને મારાં નિવેદનો
લેવામાં આવ્યાં. કોર્ટને પણ ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લઈને પાટે સૂવડાવી પગે બેરહેમીથી
પટ્ટા મારવામાં આવ્યા. મારા કોઈ વાંક વિના મને જેલમાં ધકેલી દીધી. આટલું જ નહીં, એક
કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી
આ કમનસીબ ઘટનાથી મારી તેમજ ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી છે. કાયદાને અહંકારની એડીએ
કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ
કર્યું, તેનાથી હું ખૂબ જ વ્યથિત છું અને દુ:ખ અને શરમની લાગણી અનુભવું છું’, તેમ પત્રમાં
પાયલ ગોટીએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખ્યું છે.
સૌરાષ્ટ્ર
સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલી લેટર કાંડ અને સરઘસ કાંડમાં ભોગ બનેલી પાટીદાર યુવતી
પાયલ ગોટી જામીન પર મુક્ત થઈ ગઈ છે. જે બાદ આજે તેણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને મોટાભાઈ
તરીકે ઉદ્દેશીને એક 3 પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પાયલે મહાભારતના દ્રોપદીનાં ચીરહરણનો
ઉલ્લેખ કરીને ન્યાયની માગ કરી છે.
પત્રમાં
લખ્યું છે કે ભારતનો ઈતિહાસ એનો સાક્ષી છે કે, જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરુ
દાવ ઉપર મુકાઈ ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યાં છે. જ્યારે જ્યારે
રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે ત્યારે-ત્યારે જ મહાભારતનાં મંડાણ થયાં છે. ગુજરાતમાં આવી
વારંવાર નારી સમ્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ
ભલે ના બની હોઉં પરંતુ હવે ભવિષ્યમાં કોઈપણ અબળાની આબરુ દાવ પર ના મુકાય એવી અપેક્ષા
સાથે આ મામલે જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ રક્ષકો ઉપર કડક કાર્યવાહી
કરવાની માગ છે.
ઉલ્લેખનીય
છે કે, અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા મનિષ વઘાસિયાએ ધારાસભ્ય
કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે વર્તમાન તાલુકા પંચાયતના અધ્યક્ષ કિશોર કાનપરિયાના
લેટર હેડ અને સહી સિક્કાનો ઉપયોગ કરીને બોગસ લેટર ફરતો કર્યો હતો. જેમાં પાયલ ગોટી
મુખ્ય આરોપી મનિષ વઘાસિયાની અૉફિસમાં કૉમ્પ્યુટર અૉપરેટર તરીકે ફરજ બજાવતી હતી. અમરેલી
પોલીસે 29 ડિસેમ્બરના રોજ મનિષ વઘાશિયા, પાયલ ગોટી, ભાજપના સરપંચ અશોક માંગરોળિયા અને
જીતુ ખટરાની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનનાં નામે પાયલનું રિઢા ગુનેગારની
માફક સરઘસ કાઢતા લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. જેનાં પગલે સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલ
હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ ગત શુક્રવારે જ પાયલ ગોટીને જામીન પર મુક્ત કરવામાં
આવી હતી.