ગુજરાતમાં
કોઈ ચૂંટણી ન હોવા છતાં ‘સરઘસ’ અને ‘કમુહૂર્તા’ ચાલતા હોવા છતાં વરઘોડો શબ્દ જરા વધારે
જોરથી સંભળાઈ રહ્યા છે. અમરેલીમાં કઢાયેલાં એક યુવતીના સરઘસે રાજ્ય સરકારને થોડી ભીંસમાં
પણ મુકી. જો કે મોરબીનો ઝૂલતો પુલ, રાજકોટના અગ્નિકાંડ જેવા કિસ્સા પછી પણ સરકારમાંથી
‘લોકોનો વિશ્વાસ જો ડગ્યો ન હોય’ તો આ પત્રિકા
કે સરઘસકાંડ કંઈ મોટો પડકાર નથી.
અમરેલીના
ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક પત્ર ફરતો થયો અને તપાસમાં એવું ખૂલ્યું કે તે પત્ર
ટાઈપ કરનાર એક યુવતી છે. રીઢા, મોટા ગુનેગારો જેમની નજરમાં અને હાથમાં આવતા નથી તેવા
પોલીસ ડિપાર્ટમેન્ટે તરત તે યુવતીને ઝડપી તો લીધી પરંતુ તેણે અત્યંત ગંભીર ગુનો કર્યો
હોય તેવી રીતે તેનું જાહેરમાં સરઘસ કાઢયું. રાજકીય જ નહીં, સામાજિક રીતે પણ તેનો વિરોધ
થયો કે આ રીતે કોઈ સ્ત્રી-યુવતીનું સરઘસ પોલીસ કાઢે તે યોગ્ય નહીં. તેમને જામીન મળ્યા,
પ્રકરણ હજી ચાલી રહ્યું છે પરંતુ આરોપીના સરઘસ કે વરઘોડાનો આ ફક્ત એક કિસ્સો નથી. ગુજરાતમાં
હમણાં આવા અનેક બનાવ બની રહ્યા છે અને પહેલાં જે ગણગણાટ હતો તે હવે શોર બની રહ્યો છે.
કોઈ
પણ સોસિયલ સાઈટ ખોલીએ એટલે એકાદ ગામ-શહેરના આરોપીને જાહેરમાં, બજાર કે ચોકમાં લઈને
પોલીસ ફરતી હોય અને તે આરોપીના પગમાં ચાલવાની ત્રેવડ ન હોય, ટાંટિયા તૂટી ગયા હોય તેવું
દર્શાવવામાં આવે. જે સ્થળે ગુનો થયો હોય ત્યાં લઈ જઈને આરોપીને માફી મંગાવવામાં આવે
છે. પોલીસ જો કે કાયદાકીય પરિભાષામાં તેને બનાવનું રી-કન્સ્ટ્રક્શન કહે છે. કેવી રીતે
ગુનાને અંજામ અપાયો તે નક્કી કરવા આ કાર્યવાહી જરુરી હોય છે, બજારમાં ભીડ હોય, આસપાસ
માધ્યમોના પ્રતિનિધિ હોય ત્યારે જ આ કરવું જરુરી નથી. આ “વરઘોડા’ પ્રખ્યાત થયા છે.
અહીં એક બાબત સ્પષ્ટ છે કે નાના કે મોટા ગુનાના આરોપીને કાનુની જોગવાઈ મુજબ સજા થવી
જોઈએ. આરોપી પકડાય પછી તેની સામે જે કંઈ કાર્યવાહી થવી ઘટે તે કરવી જ જોઈએ એટલે માનવ
અધિકારના નામે કોઈ ગુનેગાર કે આરોપીનો બચાવ ન હોય. લોકઅપમાં જે કાર્યવાહી થાય છે તે
થયા વગર કોઈ આરોપી ગુનો કબૂલે તેવું પણ બને નહીં કોઈએ ગુનો કર્યો હોય તો તેના મૂળ સુધી
પહોંચવા માટે પોલીસ પાસે કોઈ તો રસ્તો હોવો જોઈએ ને? પરંતુ બીજી બાજુ એ છે કેઆ સરઘસ-વરઘોડાની
કોઈ અસર થાય?અને બીજું કે તેની કાનુની વૈધતા કેટલી?
જો
કોઈ એમ કહેતું હોય કે આનાથી ‘પોલીસની ધાક’ અને ‘કાનુનનો ડર’ વધે તો સાવ એવું પણ નથી
કારણ કે જેને જરા પણ શરમ હોય અને કાયદાનો ડર હોય તે અમુક કૃત્યો કરે જ નહીં. જો ક્યાંય
ક્યારેય ગુનાનું પ્રમાણ વધે તો તેનો અર્થ જ એ કે કાયદાનો ડર અને પોલીસની ધાક ઓસરી રહી
છે. આરોપીને માર મારવાની પોલીસને છૂટ છે કે નહીં? તેને બુરખો પહેરાવવો જોઈએ કે નહીં
? તેવી ચર્ચા અહીં છોડી દઈએ છીએ કારણ કે લખેલા આદર્શ દરેક જગ્યાએ કામ નથી આવતા પરંતુ
આ સરઘસની કાર્યવાહીનો કોઈ ફાયદો ખરો?
એક
વાર જેનું સરઘસ નીકળ્યું હોય તેણે અપરાધનું પુનરાવર્તન ન કર્યું હોય તેવું પણ નથી.
આવા વરઘોડાને જોઈ કોઈ કાનુની રીતે પડકારવા ધારે તો પડકારી શકે છે. કારણ કે આ કાર્યવાહી
ગેરકાનુની જ નહીં, ગેરબંધારણીય પણ છે. જાહેરમાં આવા સરઘસ કાઢવાની કોઈ જોગવાઈ નથી. સુપ્રીમ
કોર્ટે 199%માં આપેલા ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના ચુકાદામાં આરોપી
સાથે કેમ વર્તવું તેની અપાયેલી માર્ગદર્શિકા તથા માનવ અધિકાર પંચની માર્ગદર્શિકામાં
એવું જણાવાયું છે કે જેની ધરપકડ થઈ હોય તેવા વ્યક્તિનું જાહેર પ્રદર્શન કરી શકાય નહીં.
અહીં
અઢળક દલીલ થઈ શકે: ‘જેમની શેરીમાં આવું થયું હોય તેને ખબર પડે’, ‘જેની સાથે ગુનો બન્યો
હોય તેને પૂછો..’ પરંતુ એ દલીલોની સામે આપણું પ્રસ્થાપિત બંધારણ ઊભું છે. આરોપીને છાવરવા
કે છોડી મૂકવાની વાત જ નથી. ગુનો થયા પછી આરોપીનું સરઘસ કાઢવું કે તેને જાહેરમાં માર
મારવાથી પોલીસની ધાક પ્રસ્થાપિત ન થાય. લોકોને અપરાધ કરતાં ડર લાગે, કંઈક ખોટું કરશું
તો આપણને કાયદો છોડશે નહીં તેવી ધાક બેસી જવી જોઈએ. આ વરઘોડાઓ પોલીસની કાર્યવાહી કરતાં
વધારે લોકોના મનોરંજનનો વિષય વધારે બને છે.
આટલા
બધા સરઘસ કાઢવા પડે, વરઘોડા કાઢવા પડે તે જ પોલીસની ધાક કેટલી છે તેનું પ્રમાણ છે.
અમરેલી ઉપરાંત ખેડબ્રહ્મા, ભાવનગર, અંજાર, સુરેન્દ્રનગર, આદિપુર, પોરબંદર સહિતના સ્થળે
વિવિધ આરોપસર વરઘોડા નીકળ્યા છે. પોલીસ માટે તો આ કફોડી સ્થિતિ છે. ગુના નિયંત્રણમાં
ન આવે તો પણ ટીકા થાય અને આવી કાર્યવાહીમાં કાનુની જોગવાઈ શું તે જોવું પડે. પરંતુ
નાગરિક હોય કે પોલીસ આખરે આદર તો કાયદાનો જ કરવો જોઈએ. કાયદાનું પાલન કાયદાની જોગવાઈને
અતિક્રમીને તો ન જ થાય.