• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

‘ગડકરીજી, તમે પીએમ બની જાઓ!’

હાઈકોર્ટના પૂર્વ જજે મંચ પરથી મોદીની આલોચના કરી નીતિન ગડકરીને અનુરોધ કરતાં જાગી ચર્ચા

 

પૂણે, તા.5 : પૂણેમાં મરાઠા સેવા સંઘના આયોજિત એક કાર્યક્રમમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ બી.જી. કોલસે પાટિલે મંચ પરથી પીએમ નરેન્દ્ર મોદીની આલોચના કરવા સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વડાપ્રધાન પદ સંભાળવાનો અનુરોધ કરતાં ચર્ચા જાગી હતી. પૂર્વ જજ જ્યારે પોતાની આ વાત કહી રહ્યા હતા ત્યારે ગડકરી પણ મંચસ્થ હતા. જોકે ગડકરીએ પાટિલના નિવેદનની અવગણના કરી હતી.

કેન્દ્રીય મંત્રી ગડકરી જેવા મંચ પર પહોંચ્યા કે તરત જ મંચ પર અગાઉથી મોજૂદ પાટિલે તેમને પીએમ બનવાનો અનુરોધ કરવાની સાથે પીએમ મોદી પર ‘જૂઠા’ હોવાનો આરોપ લગાવીને  ઉમેર્યું કે શા માટે તેમનો સ્વીકાર કરવો પડી રહ્યો છે.. તમે જ પીએમ પદ સ્વીકારી લો.

પાટિલે ગડકરીને કહ્યું કે તમે તમારા ભાષણોમાં સમાવેશી લાગો છો. ઈતિહાસ જોશો તો જણાશે કે એક પણ બ્રાહ્મણ સમાવેશી નેતા બન્યો નથી. તમારી પાસે તક છે, તમે પીએમ બની શકો છો.

દરમ્યાન, મરાઠા અનામત અંગે પણ પૂર્વ જજે મહારાષ્ટ્રના 48 સાંસદોએ આ મુદ્દે આગળ આવવા અને જો અનામત ન મળે તો રાજીનામાની ચીમકી આપવાનું કહીને ઉમેર્યું કે જો બધા સાંસદ એક થઈને દબાણ કરે તો મરાઠા અનામત માટે કેન્દ્ર સરકાર એક મિનિટમાં તૈયાર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પૂણેના બાલગંધર્વ રંગમંદિરમાં મરાઠા સેવા સંઘના અધ્યક્ષ પુરુષોત્તમ ખેડકરની 75મી જયંતી પ્રસંગે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગડકરીએ ખેડકરના સામાજિક યોગદાનની પ્રશંસા કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક