• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ગિરનાર સ્પર્ધાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ અતૂટ

અમરેલીના વાઘેલા શૈલેષે 59.14 અને સુરેન્દ્રનગરની જાડા રીંકલે 38 મિનિટમાં સર કર્યો ગિરનાર

 

જૂનાગઢ, તા.5:  આજે વહેલી સવારે કડકડતી ઠંડીમાં જોમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 1193 સ્પર્ધકોએ દોટ મુકી હતી. જેમાં સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં અમરેલીના સ્પર્ધક શૈલેષ વાઘેલાએ બાજી મારી હતી. જેઓએ 59 મિનિટ અને 14 સેકન્ડમાં ગિરનારના 5500 પગથિયા ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બહેનોમાં સુરેન્દ્રનગરની રીંકલ જાડાએ 38 મિનિટમાં 2200 પગથિયા ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. જૂનિયર કેટેગરીમાં ભાઈઓમાં દાહોદના અજયકુમાર સોલંકીએ એક કલાક 4 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો તેમજ બહેનોમાં જૂનાગઢની જશુ ગજેરાએ 37 મિનિટ અને 55 સેકન્ડમાં સ્પર્ધા પુરી કરી હતી. જોકે 12 વર્ષ અગાઉ વર્ષ 2002માં ગીર સોમનાથના કાનજી ભાલિયાએ કરેલો 56 મિનિટનો રેકોર્ડ અતૂટ રહ્યો હતો. આ રેકોર્ડ કર્યા બાદ તેણે નિવૃત્તિ લીધી હતી.

પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો  આરંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ  ફલેગ ઓફથી પ્રારંભ કરાયો હતો.

આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કંઠેસીયા નીતા, તૃતીય ક્રમે જૂનાગઢના કથુરીયા સાયરા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે  ગીર સોમનાથના  મેવાડા ધર્મેશકુમાર, તૃતીય ક્રમે ગીરસોમનાથના ચાવડા વીગ્નેઈં રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ગરચર દીપાલી, તૃતીય ક્રમે જૂનાગઢના કામરીયા જયશ્રી રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજસીંહ, અને તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યેશ  રહ્યા હતા.

વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલા ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સહિતના પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

આ તકે અધ્યક્ષીય પ્રવચનમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લઈ અને રમવું એ આપણી ફરજ છે. રમત ગમત ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે જૂનાગઢના ઝફર મેદાન ખાતે સ્પોર્ટસ સંકુલ વિકસાવવા માટે રાજ્ય સરકારે રૂ. 1.90 કરોડનું અનુદાન ફાળવ્યુ છે.

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ખૂબ જ ઓછા સમયમાં વીજળી વેગે ગિરનાર આરોહણ -અવરોહણ એ ખૂબ જ કઠિન છે. તેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સ્પર્ધકો ફક્ત આ ગિરનાર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહે  પરંતુ રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારર્કિદી બનાવી દેશનું નામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે પરંતુ આ 39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા થઈ નથી. મંગલનાથ બાપુની જગ્યા કાર્યરત કરાયેલ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધા પૂર્ણ કરીને આવેલા અંદાજે 625 જેટલા સ્પર્ધકોને સામાન્ય સારવાર જરૂરી આપવામાં આવી હતી.

 

 

 

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતાઓ

નામ                                                      સમય                             જિલ્લો

સિનિયર ભાઈઓ

વાઘેલા શૈલેષભાઈ મનસુખભાઈ       00:59:14                     અમરેલી

મેવાડા ધર્મેશકુમાર લાખાભાઈ          01:01:04        ગીર સોમનાથ

ચાવડા વીગ્નેશ ચીમનલાલ              01:01:51                     ગીર સોમનાથ

સિનિયર બહેનો

જાડા રીંકલ વિનોદભાઈ                   00:38:00                     સુરેન્દ્રનગર

કાટેસિયા નીતા રમેશભાઈ                00:40:10                     આણંદ

કાથુરિયા સાયરા ઇબ્રાહીમભાઇ         00:41:19                     જુનાગઢ

જુનિયર ભાઈઓ

સોલંકી અજયકુમાર વિજયભાઈ       01:04:20                     દાહોદ

ઝાલા જયરાજાસિંહ રાજેન્દ્રાસિંહ      01:08:05                     જુનાગઢ

વાજા દિવ્યેશ ગભરૂભાઈ                 01:09:41                     ગીર સોમનાથ

જુનિયર બહેનો

ગજેરા જશુ લખમણભાઇ               00:37:55                     જુનાગઢ

ગરચર દિપાલી અરજણભાઈ            00:38:34                     જુનાગઢ

કામરીયા જયશ્રી ભીમાભાઇ             00:39:23                     જુનાગઢ

એક જ શાળાની 9 વિદ્યાર્થિનીઓ વિજેતા બની

રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં રેકોર્ડ તૂટ્યો હતો. જેમાં એક જ શાળાની 9 વિદ્યાર્થિનીઓ વિજેતા બની હતી. દીવરાણા ગામની 9 વિદ્યાર્થીઓની જુનિયર કેટેગરીમાં વિજેતા બની હતી. અલગ અલગ કેટેગરીમાં વિજેતા થયેલા અને 1થી 10 સુધીના નંબર પ્રાપ્ત કરેલા તમામ સ્પર્ધકોને સરકાર દ્વારા કુલ 8 લાખથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યાં હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક