સમુદ્રમાંથી શોધી કાઢયું 17-18મી
સદીનું યુરોપિયન યુદ્ધ જહાજ
નવી દિલ્હી, તા. 5 : લક્ષદ્વીપમાં
મરજીવાઓએ એક મહત્ત્વની શોધ કરી છે. જેમાં
17મી કે 18મી સદીનાં યુરોપીય યુદ્ધ જહાજનો કાટમાળ મળી આવ્યો છે. હકીકતમાં મરજીવા
લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં કલ્પેની દ્વીપ પાસે સમુદ્રી જીવનની શોધ કરવા નીકળ્યા હતા.
જ્યાં તેઓને યુદ્ધ જહાજ મળી આવ્યું હતું. આ કાટમાળ દ્વીપના પશ્ચિમી કિનારે હતો. રિસર્ચરના
માનવા પ્રમાણે જહાજનો કાટમાળ ત્રણ યુરોપિયન દેશ પોર્ટુગલ, ડચ અથવા બ્રિટિશથી સંબંધિત
છે. આ ક્ષેત્રમાં આ પહેલી આવી શોધ છે. આ શોધ બાદ આગળનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.
અભ્યાસથી સામે આવ્યું છે કે
17મી અથવા 18મી સદીમાં સમુદ્રી સંઘર્ષ સાથે જહાજનું કનેક્શન હોય શકે છે. ખાસ કરીને
જ્યારે મધ્ય પૂર્વ અને શ્રીલંકા વચ્ચે વ્યાપાર માર્ગને લઈને પ્રભુત્વની લડાઈ ચાલી રહી
હતી. સ્થળ ઉપરથી એક તોપ અને જહાજના આકારથી લાગી રહ્યું છે કે આ યુદ્ધ જહાજ હતું તેમજ
જહાજે લોખંડ અને લાકડાથી બનાવવામાં આવ્યું હતું.