• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ટીમનાં હિતને ધ્યાનમાં રાખી રોહિત-વિરાટ ભવિષ્ય પર નિર્ણય લેશે : ગંભીર

‘નવી ટીમ અને નવી રણનીતિ માટે અમારી પાસે 5 મહિનાનો સમય’

સિડની, તા.પ: એક દશક બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવનાર ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સિડની ટેસ્ટની હાર પછીની પત્રકાર પરિષદમાં ટીમના બે સિનિયર ખેલાડીના બચાવમાં કહ્યંy કે રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભુખ છે. તેઓ ટીમનાં હિતને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ક્રિકેટમાં તેમના ભવિષ્ય પર ફેસલો લેશે.

રોહિત-વિરાટના ભવિષ્ય પરના સવાલ પર કોચ ગંભીરે જણાવ્યું કે હું કોઈ ખેલાડીનાં ભવિષ્યનો નિર્ણય લઈ શકું નહીં. એ તેમના પર છે. હા, એટલું જરૂર કહીશ કે બન્ને ખેલાડીમાં હજુ ભુખ બાકી છે. તેમની અંદર ઝનૂન છે. બન્ને માનસિક રીતે મજબૂત છે. તેઓ જે પણ નિર્ણય લેશે તે ભારતીય ક્રિકેટનાં હિતમાં હશે. આ તકે કોચે એવી પણ ટકોર કરી કે ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિબદ્ધ થવા માટે તમામ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. કોચનો ઇશારો કોહલી-શર્મા જેવા સિનિયર ખેલાડી તરફ હતો.

કોહલી વારંવાર ઓફ સ્ટમ્પ બહારના દડામાં આઉટ થતો રહ્યો હતો. આ મામલે કોચને તીખા સવાલ થયા હતા. જેના પર તેણે સફાઈ આપી કે દરેક ખેલાડી પોતાની ગેમ સમજતો હોય છે. બધાને ખબર હોય છે કે તેઓ શું ભૂલ કરે છે અને કેટલી રન ભૂખ અંદર બાકી રહી છે. તેને ખબર હોય છે કે તે ટીમમાં શું યોગદાન આપી રહ્યો છે. આખરે તો આ ટીમ મારી કે તમારી નહીં દેશની છે.

કોચ ગંભીરે વધુમાં જણાવ્યું કે હું કોઈ એક-બે ખેલાડીની તરફેણ કરતો નથી. મારા માટે બધા સરખા છે. ભારતને હવે પ મહિના બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમવાની છે. આગામી રોડમેપ વિશે કોચે કહ્યંy કે આ વિશે અત્યારે કાંઈ કહેવું ઉતાવળ ગણાશે. હજુ આ સિરીઝ સમાપ્ત થઈ છે. અમે તેનું વિશ્લેષણ કરશું. આગળની ટીમ પસંદ કરવા અને રણનીતિ માટે અમારી પાસે પાંચ મહિના છે. અત્યારે તેના પર વાત કરવાનો સાચો સમય નથી.

કોચ ગંભીરે બુમરાહની બોલિંગની ભરપૂર પ્રશંસા કરી હતી અને સિરાજને સૌથી વધુ લડાયક ખેલાડી બતાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક