• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સંસદની ખોરવાતી કાર્યવાહી

સંસદની કાર્યવાહી ખોરવવાનો ભારતીય લોકશાહી માટે ચિંતાજનક સીલસીલો યથાવત રહ્યો છે. ચોમાસુ સત્રની અત્યાર સુધીની કાર્યવાહી વિપક્ષની ધાંધલ ધમાલમાં ધોવાઈ ગઈ છે.  સત્રના બાકીના દિવસોમાં પણ વિપક્ષ યેનકેને પ્રકારે ધાંધલ કરીને લોકશાહીનાં મંદિર સમાન સંસદને ખોરવવાનું ચાલુ રાખી શકે છે એવા અમંગળ અંઁધાણ મળી રહ્યા છે. સરકારે વિવિધ ખરડા પસાર કરાવવાની સંસદીય તૈયારી કરી રાખી છે, પણ આ તૈયારી ફળીભૂત થાય એમ જણાતું નથી.  સરકારે તમામ મુદ્દા પર ગૃહમાં ચર્ચાની તૈયારી બતાવીને વિપક્ષને હકારાત્મક સંકેત આપ્યા હતા, પણ વિપક્ષે પોતાનો એકમાત્ર એજન્ડા ધાંધલનો હોવાની પ્રતિતિ અત્યાર સુધી કાર્યવાહીને ખોરવીને કરાવી આપી છે. 

આમ તો સંસદનાં આ લાંબા સત્રના આરંભ અગાઉ સરકારે વિપક્ષી નેતાઓની બેઠકમાં ખાતરી આપી હતી કે, બિહારના મતદારયાદી સુધારણા અભિયાનથી માંડીને ઓપરેશન સિંદૂર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા સહિતના તમામ મુદ્દા પર વિગતે ચર્ચા કરાવાશે.  આ ખાતરીનાં પાલનના પ્રથમ ચરણમાં ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા હાથ ધરાઈ અને સરકારે તમામ મુદ્દાનો જવાબ પણ સંસદમાં આપ્યો, પણ સંસદની કાર્યવાહીને ખોરવવાના બહાના શોધતા રહેતા વિપક્ષે હવે બિહારમાં મતદારયાદી સુધારવાની ખાસ ઝુંબેશના મુદ્દાને આગળ ધરીને ધાંધલ મચાવવી શરૂ કરી છે.  ગયા સપ્તાહે સંસદની મોટાભાગની કાર્યવાહી વિપક્ષની આ ધમાલમાં ધોવાઈ ગઈ હતી.  રાજ્યસભામાં ગયા સપ્તાહ સુધી પ6 કલાક જેટલો સમય ધમાલને કારણે વ્યય થયો હોવાના આંકડા છે.  સવાલ એ છે કે, નાગરિકોના પરસેવાની કમાણીનો આ દુરૂપયોગ કેટલા અંશે વ્યાજબી છે.

હાલત એવી છે કે, છેલ્લા લાંબા સમયથી  વિપક્ષ યેનકેન પ્રકાર સંસદમાં કાર્યવાહી ખોરવે છે.  વિપક્ષી સભ્યો કોઈ પણ મુદ્દે સૂત્રોચ્ચાર કરે છે અને અધ્યક્ષની ખુરશી તરફ ધસી ગયા છે.  વિના કારણ ગ્રાહ્ય રહી શકે એવી માગણીઓ કરીને સરકારની ઉપર દોષનો ટોપલો ઢોળવાની વિપક્ષની નીતિ હોવાનું તેમનાં વર્તન પરથી જણાઈ રહ્યંy છે.  

આમ તો હાલમાં વિપક્ષની સંસદમાં ધાંધલ ધમાલ કરવાની નીતિ રીતી નવી નથી.  છેલ્લા લગભગ બે દાયકાથી વિપક્ષી સભ્યએ સંસદમાં કાર્યવાહીને ચાલતી રોકવાના તમામ ત્રાગાં કર્યા છે.  વિપક્ષી સભ્યોનાં મનમાં એવી છાપ પડી ગઈ હોય તેમ જણાય છે કે, સંસદની કાર્યવાહી દરમ્યાન ધાંધલ કરીને તેઓ દેશના લેકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકશે,  પણ તેઓ એ વાત વિસરી જાય છે કે, આમ કરીને તેઓ લોકશાહીની સ્વચ્છ પરંપરાને ખરડાવી રહ્યા છે.  ખરેખર તો સંસદનાં સત્રને વધુને વધુ ઉપયોગી બનાવવાની અનિવાર્યતા વિપક્ષ અને સરકાર પક્ષ બન્ને પાટલીના નેતાઓએ સમજી લેવાની ખાસ જરૂરત છે.  સંસદ જેટલા વધુ ખરડા પસાર કરી શકશે અને જેટલા મુદ્દા પર વધુ ચર્ચા કરી શકશે તે દેશહિત અને લોકહિત બની રહેશે.   

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક