• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ટ્રમ્પના ટેરિફ સામેની લડાઈ ‘ટફ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, ભારતના એક સમયના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આજથી જ અમલી બનાવી દીધેલા તગડા- 50 ટકા ટેરિફને લીધે ભારતના વેપાર-ઉદ્યોગમાં, વિશેષત: નિકાસક્ષેત્રે ફફડાટ ફેલાયો છે. સરકાર અને વેપાર ક્ષેત્ર તેના ઉપાયો શોધવામાં વ્યસ્ત બન્યાં છે. આ ટેરિફની અસર ક્યા ક્ષેત્ર ઉપર કેટલી અને કેવી થશે તેની ઊંડાણભરી વિગતો આવતાં થોડો સમય લાગશે પરંતુ પ્રાથમિક ચિત્ર ભારતના નિકાસક્ષેત્ર માટે ડરામણું છે. ટ્રમ્પના ટેરિફ સામેની આ લડાઈ ટફ એટલે કે અઘરી છે. સરહદે થતા યુદ્ધ કરતાં પણ કદાચ આ પડકાર ભવિષ્યમાં મોટો નિવડે તો આશ્ચર્ય નથી. અહીં દરેક નાગરિકે સૈનિકની ભૂમિકામાં રહેવું પડશે.

ભારત સરકારે આ ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે, ખેડૂતો, પશુપાલકોનું હિત સદા સર્વોપરી છે તેવું વડાપ્રધાન એકાધિક વાર જાહેર મંચ ઉપરથી બોલ્યા છે બીજી તરફ વિવિધ વેપાર ક્ષેત્રમાં ડર છે. ટ્રમ્પ ટેરિફની અસરથી સૂરત અને સૌરાષ્ટ્રનું હીરા બજાર પણ બાકાત નથી તે થોડી વધારે ઉદાસ કરી દે તેવી બાબત છે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. અબજો ડોલરનો સામાન ત્યાં જાય છે. ટેક્સટાઈલ-કાપડ બજારમાં ભારતની નિકાસનો હિસ્સો 28 ટકા છે. 2025ના માર્ચ માસમાં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના અંતે 10.8 અબજ ડોલરના પહેરવાના કપડાંની નિકાસ અમેરિકાને થઈ હતી. અમેરિકાના બજારમાં પહેલાં 10 થી 12 ટકા ટેરિફ હતો જે હવે 50 ટકા થઈ ગયો છે.

ભારત અમેરિકાને 10 અબજ ડોલરની દવાઓની નિકાસ કરે છે.જે દેશના ફાર્માસ્યુટીકલ નિકાસના 31 થી 35 ટકા હિસ્સો છે. આના ઉપર રાહત નહીં મળે તો અમેરિકામાં સસ્તી દવાની મુશ્કેલી થાય જેની અસર આપણને થશે. 2024માં ભારતે અમેરિકાને 2.2 અબજ ડોલરના ઓટો પાર્ટ્સની નિકાસ કરી હતી. ટેરિફના અમલથી આ ક્ષેત્રને અસર થાય અને મેઈક ઈન ઈન્ડિયા અભિયાન નબળું પડી શકે. રત્નોનો ચળકાટ પણ ઝાંખો પડી શકે. 2025 માર્ચના અંતે 12 અબજ ડોલરના રત્નો- આભૂષણોની નિકાસ થઈ. જેમાં અમેરિકાનો હિસ્સો 30 ટકા હતો. 27 ટકા ટેરિફ તો તેના ઉપર હતો હવે વધારાનો 25 ટકા અમલી બન્યો છે.

ગુજરાતમાં સૂરતનું હીરા બજાર અમેરિકાને હીરા મોકલે છે. સૂરતને હવે ઓર્ડર ઓછા મળી રહ્યા છે. આ મંદીની અસર સૌરાષ્ટ્રને પણ થશે. નાના નિકાસકારો આ આંચકો ખમી નહીં શકે, મોટા ઉદ્યોગગૃહોની વાત અલગ છે તેઓ પોતાના ઉત્પાદનગૃહો બોત્સાવાના જેવા દેશમાં શરૂ કરી રહ્યા છે જ્યાં અમેરિકાનો ટેરિફદર 15 ટકા છે. જીંગાના ઓર્ડર અટક્યા છે. સી ફૂડ ગણાતા ક્ષેત્ર, મત્સ્યોદ્યોગને પણ અસર થશે. સોલાર ક્ષેત્રને અસર થવાની સંભાવના છે. એપલના સ્માર્ટફોનના બજારને અસર નહીં થાય. ટ્રમ્પના ટેરિફથી ભારતના નિકાસકારો ઉપર અસર થશે. આપણા વેપાર ઉદ્યોગ પણ તેનાથી નહીં બચી શકે. આત્મનિર્ભરતા, સ્વદેશીના જાપ આપણે જપીએ છીએ તેનો અમલ કરવો પડશે. ઉત્પાદન ગુણવત્તા પણ સુધારવી પડશે. ટેરિફ માનવસર્જિત આફત છે, આ આફતને અવસરમાં પલટાવવાનું સહેલું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક