• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ઝેલેન્સ્કીને ભારતનું આમંત્રણ

રશિયા અને યુક્રેનના સતત લંબાતા જતા જંગને શાંત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આકાશ-પાતાળ એક કરી રહ્યાનો દેખાવ કરી રહ્યા છે તેવા સંજોગોમાં ભારત સરકારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીને નવી દિલ્હી આવવાનું ઈજન આપીને આ જટિલ મામલાને ઉકેલવામાં સહાયભૂત થવાના દુનિયાને સંકેત આપ્યા છે.   ભારતના રશિયા સાથે સારા સંબંધ રહ્યા છે અને યુક્રેનની સાથે સંવાદ સફળ થાય તો શાંતિનો માર્ગ મોકળો બની શકે તેમ છે. એક તરફ ટ્રમ્પ ભારતની સામે ટેરિફનું દબાણ ઊભું કરવા રશિયા સાથેના સંબંધો અને તેનાથી તેને યુક્રેન સાથેના જંગમાં મદદ મળતી હોવાનાં કારણ આગળ ધરીને આ જંગમાં શાંતિનો માર્ગ ભારતના માર્ગેથી શક્ય હોવાના દાવા કરતા રહે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિના  દાવા અને દલીલમાં તથ્ય હોતું નથી, પણ એક વાત નક્કી છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જંગમાં શાંતિ માટે સંવાદની હિમાયત કરતા રહ્યા છે.  ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને આમ કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપપતિ તરીકે બીજી વખત સત્તા સંભાળી ત્યારથી તેઓ યુક્રેનમાં શાંતિ માટે પ્રયાસ કરતા રહ્યા છે, પણ તેમણે હોદ્દો સભાંળ્યો તે સમયની  અને હાલની સ્થિતિ ભારે બદલી છે.  ટ્રમ્પ તો આ જંગનો તત્કાળ અંત ઈચ્છે છે, પણ તેમની કોઈ સ્પષ્ટ રાજદ્વારી વ્યૂહરચનાનો અભાવ સતત સામે આવતો રહ્યો છે.  તેઓ ચોતરફ પોતાની વગ અને શક્તિનું વરવું પ્રદર્શન કરીને તમામને ડરાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે, પણ તેમના આ ઉતાવળા અને અધકચરાં પગલાંને લીધે શાંતિ હજી મૃગજળ બની રહી છે. 

તાજેતરમાં ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કી સાથે અલગ-અલગ શિખર મંત્રણાઓ કરી છે. હવે તેઓ ત્રિપક્ષીય વાટાઘાટો માટે તૈયારી કરી રહ્યા છે, પણ આ જંગમાં યુક્રેનને યુરોપના શક્તિશાળી દેશોનો ટેકો છે તો રશિયા પોતે એટલી તાકાત ધરાવે છે કે, તે અમેરિકાના કોઈ દબાણને દાદ આપે તેમ નથી.  આવામાં યુદ્ધના સ્પષ્ટ વિરોધ અને કોઈ પણ પક્ષની તરફેણ ન કરવાનું ભારતનું વલણ શાંતિની શોધમાં મદદરૂપ થઈ શકે છે.  એક તરફ રશિયા તેના ગમા-અણગામા અંગે ભારત સાથે મુક્ત મને ચર્ચા અને બાંધછોડ કરી શકે છે, તો બીજી તરફ યુક્રેનને ટેકો આપતા યુરોપના દેશો સાથે ભારતના ગાઢ સંબંધ ઝેલેન્સ્કીને વાસ્તવિક સ્થિતિ ગળે ઉતારવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. 

આવા સંજોગોમાં ઝેલેન્સ્કી ભારત આવે અને આવીને હકારાત્મક રીતે આગળ વધવાની સંમતિ વ્યક્ત કરે એવા સંજોગોને નકારી શકાય તેમ નથી.  આમ થાય તો યુક્રેનના જંગમાં શાંતિ માટે દુનિયાની અપેક્ષાને ફળીભૂત કરવામાં ભારત ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે.  જોવાનું એ રહેશે કે યુક્રેન કેવું વલણ લેશે અને ટ્રમ્પ યશ ખાટવાના પોતાના પ્રયાસોમાં તેને અંતરાયરૂપ ગણે છે કે નહીં.  

ઇ-પેપરના નવા શુલ્ક