દિલ્હી હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા ઉપર સંસદમાં મહાભિયોગ ચલાવવાની કાર્યવાહી શરૂ થઈ છે પણ કાર્યવાહી લાંબી ચાલશે. સ્પીકરે ત્રણ સભ્યોની સમિતિ આક્ષેપની તપાસ કરવા નીમી છે તેનો અહેવાલ આવતા ત્રણ મહિના થશે અને તે પછી લોકસભા અને રાજ્યસભામાં આ ઠરાવની ચર્ચા થશે. નવેમ્બર-ડિસેમ્બરમાં શીતકાલીન સત્ર મળે ત્યારે ઠરાવ ઉપર ચર્ચા થવાની શક્યતા છે.
લોકસભાના
સ્પીકરે જે સમિતિ નીમી છે તેના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના જજ અરવિંદકુમાર, મદ્રાસ હાઈ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવ તથા કર્ણાટકના ન્યાયવિદ બી. વી.
આચાર્યનો સમાવેશ થાય છે. જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મળેલી અમુક રોકડ રકમના કેસની
તપાસ ઉપરોક્ત સમિતિને સોંપાઈ છે.
હવે
સમિતિની કાર્યવાહી શરૂ થાય ત્યારે જસ્ટિસ વર્માને પોતાનો બચાવ કરવાની તક મળશે અને તે
પછી લોકસભા અને રાજ્યસભામાં આ વિષયની ચર્ચા શરૂ થાય તે પહેલાં પણ તે બચાવની દલીલો કરી
શકશે.
વિશેષ
સમિતિનો અહેવાલ સ્પીકરને મળ્યા પછી લોકસભામાં સભ્યો પોતાનાં મંતવ્ય રજૂ કરે તે પહેલાં
જસ્ટિસ વર્માને એમનો પક્ષ રજૂ કરવાની તક મળશે. નોંધપાત્ર છે કે જસ્ટિસ વર્મા ગૃહમાં
પ્રવેશ કરી શકે નહીં તેથી ગૃહના પ્રવેશદ્વારના ઉંબરા પાસે ખુરસીમાં બેસી શકે અને એમને
માઇક અપાશે. લોકસભાની કાર્યવાહી પૂરી થયા પછી રાજ્યસભામાં શરૂ થશે અને બંને ગૃહોમાં
‘પૂર્ણ થયા બાદ, મહાભિયોગની મંજૂરી મળ્યા બાદ સંસદ રાષ્ટ્રપતિજીને જાણ કરતો પત્ર મોકલે
અને રાષ્ટ્રપતિજી જસ્ટિસ વર્માને રૂખસદ આપી શકે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જસ્ટિસ
વર્મા ઇચ્છે તો રાજીનામું આપી શકે છે અને નિવૃત્તિ પછીના લાભ મેળવી શકે.
ભૂતકાળમાં
કલકત્તા હાઈ કોર્ટના જજ સૌમિત્ર સેન સામે આવી કાર્યવાહી રાજ્યસભામાં થઈ હતી અને મંજૂરી
મળી હતી પણ લોકસભામાં શરૂ થાય તે પહેલાં જસ્ટિસ સેને રાજીનામું આપી દીધું હતું.
જસ્ટિસ
વર્માનો કેસ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી
તેની સામે જસ્ટિસ વર્માએ ફરિયાદ કરી હતી જે કોર્ટે કાઢી નાખી હતી. હવે તે સમિતિનો રિપોર્ટ
સંસદે નીમેલી સમિતિ પાસે પણ હશે. ઇતિહાસની આ ઘટના પછી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા
અચૂક વધશે પણ સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવામાં થતો વિલંબ ઘટવાની આશા રાખી શકાય?