• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રખડતા શ્વાન : સમસ્યા કરતાં ઉકેલ જાલિમ

રખડતા શ્વાન નવી દિલ્હી-એનસીઆરના રસ્તા પર દેખાવા ન જોઈએ એવા સર્વોચ્ચ અદાલતે સોમવારે આપેલા નિર્દેશને પગલે અનેક સવાલો અને સમસ્યાઓ સર્જાયા છે. જીવદયાપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના આ નિર્દેશોને અમાનવીય ગણાવ્યા છે, તો એક મોટા વર્ગે તેનું સ્વાગત કરતાં કહ્યું છે કે, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો પર શ્વાનોના હુમલાની ઘટનાઓ પર આનાથી પૂર્ણવિરામ મુકાશે. જોકે, દેશની રાજધાનીમાં રખડતા શ્વાનોની સંખ્યા અંદાજે આઠ લાખ જેટલી છે અને તેમના માટે શૅલ્ટરની કોઈ વ્યવસ્થા નથી. આવામાં, આ શ્વાનોનું કરવું શું એ મોટો પ્રશ્ન નવી દિલ્હી પાલિકા સામે છે. એટલું જ નહીં, શેરીમાંના શ્વાનોને પકડવા અને ભવિષ્યમાં તેમના માટે શૅલ્ટર બનાવવા અને ત્યાં તેમને રાખવા તથા ખવડાવવાનો ખર્ચ પણ મોટો હશે. આ કિસ્સામાં સમસ્યા કરતાં ઉકેલ વધુ જાલિમ હોવાની ઉક્તિ યથાર્થ પુરવાર થાય છે.

હાલ દિલ્હી પાલિકા વિવિધ બિન-સરકારી સંસ્થાઓના સહયોગમાં 20 જેટલા ઍનિમલ બર્થ કન્ટ્રૉલ  (એબીસી) સેન્ટર્સ ચલાવે છે. આ એકમોમાં શ્વાનોને વ્યંધિકરણ માટે રખાય છે અને સર્જરીના દસ દિવસ બાદ પાલિકા તેમને જ્યાંથી ઉપાડયા હોય ત્યાં પાછા છોડી દે છે. આ વ્યવસ્થા 2023ના ઍનિમલ બર્થ કન્ટ્રૉલ (ડૉગ્સ) નિયમોને અનુરૂપ છે. તો, પ્રીવેન્શન અૉફ ક્રુએલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટની જોગવાઈ મુજબ રખડતાં પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે વસાવી શકાય નહીં. આમ, સુપ્રીમ કોર્ટે હાલમાં આપેલા નિર્દેશો વર્તમાન નિયમ અને કાયદાથી વિરોધાભાસી છે. બીજું, અનેક નિષ્ણાતોનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટના સોમવારના આદેશો પર અમલ કરવાનું શક્ય નથી. એક તો રખડતા શ્વાનોને રાખવા માટે માનવ વસ્તીથી દૂર હજારો આશ્રય સ્થાનો બાંધવા પડે. દિલ્હી અને એનસીઆરમાં આટલા મોટા પ્રમાણમાં જમીન મેળવવાનું અને શૅલ્ટર્સ બાંધવાનું કામ નાણાં અને સમય બંને માગે એવું છે અને પાલિકા જો નાણાં શ્વાન માટેના આશ્રય સ્થાનો બાંધવા તરફ વાળશે, તો અન્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓનું શું થશે? શ્વાન કરડવાને કારણે હડકવાથી થયેલાં મોતની સ્યુઓ મોટો નોંધ લઈ સુપ્રીમ કોર્ટે શ્વાનોને દિલ્હીની બહાર મોકલી આપવાનો આદેશ તો આપ્યો, પણ એબીસી સેન્ટર્સ ખાતે સુવિધાઓ વધારી વ્યંધિકરણની સાથે તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવે એ વિકલ્પ વધુ વ્યવહારુ અને આર્થિક રીતે પણ પરવડે એવો છે. તો, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પ્રાણીઓના હક્કો માટે દાયકાઓથીલડતાં મેનકા ગાંધીએ અદાલતના નિર્ણયને બિનવ્યવહારુ, આર્થિક રીતે બિનકાર્યક્ષમ અને સ્થાનિક ઈકૉલોજિકલ સંતુલન માટે સંભવિતપણે નુકસાનકારક ગણાવતાં કહ્યું છે કે, તમે શેરીમાંથી શ્વાનોને હટાવી લેશો, તો વાંદરાઓ નીચે ઊતરી આવશે. 1880માં પેરિસમાંથી શ્વાન-બિલાડાનો મોટા પાયે સફાયો કરાયો, ત્યારે શહેરમાં ઉંદરોની વસ્તીવધી ગઈ હતી. આ સમસ્યાઓથી પણ આંખ આડા કાન કરી શકાય નહીં. દિલ્હીમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં શ્વાન કરડવાના 26 હજાર કેસ નોંધાયા છે અને 31મી જુલાઈ સુધીમાં રાજધાનીમાં રેબિસના 49 મામલાની નોંધ થઈ હતી.

સર્વોચ્ચ અદાલતે નજીકના ભૂતકાળમાં જ પોતાના જ કેટલાક ચુકાદાઓ પર ફેરવિચારણા કરી છે. માનનીય સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન બાબત આપેલા નિર્દેશોની સમીક્ષા કરે એમાં જ સૌનું હિત છે.

ઇ-પેપરના નવા શુલ્ક