• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સ્વદેશી અભિયાનનું આહ્વાન

79મા સ્વાતંત્ર્ય દિવસના ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગ ઉપર પડકારો અને કસોટીનો ઓછાયો છે પણ 2047 સુધીમાં વિકસિત ભારતની દિશામાં આગેકૂચ જારી રાખવાની આપણી રાષ્ટ્રભક્તિ અને શક્તિ અડગ, અજોડ હોવાનો આત્મવિશ્વાસ છે.

આપણા અર્થતંત્રની શક્તિને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડકારી છે ત્યારે આત્મનિર્ભર બનવા માટે સ્વદેશી અભિયાન એક આંદોલનની જેમ દેશના ખૂણેખૂણે જાગી ઊઠે અને વિદેશી માલ-સામાનની હોળી - સાર્વત્રિક બહિષ્કાર થાય એવું દેશાભિમાન બતાવવાનો અવસર છે, આફત નહીં. વિશ્વની કંપનીઓ માટે ભારત એક મોટું બજાર છે. નૂતન ભારતની ખરીદ શક્તિ અપાર છે. તેનો પરચો બતાવવો પડશે. વડા પ્રધાન મોદીએ વિશ્વની પરિસ્થિતિ પામી-માપી લીધા પછી આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું છે. હવે તેને ‘સ્વદેશીરંગ આપવાની ફરજ આપણી છે.

પાડોશી - પાકિસ્તાનના આતંક ઉપર હવે પૂર્ણવિરામ મૂકવાનો સમય પણ પાકી રહ્યો છે ત્યારે આપણા - સ્વદેશી વિપક્ષી નેતાઓએ પણ ઇન્ડિયા ફર્સ્ટ - રાષ્ટ્રહિતની રક્ષા માટે સચિંત અને સક્રિય બનવું જ પડશે. મોટો પડકાર ઘરઆંગણે - આંતરિક છે : લોકતંત્રને રાજકીય સત્તાનું ગ્રહણ લાગ્યું છે. ચૂંટણી પંચની નિષ્ઠા અને પ્રતિષ્ઠા સામે સવાલ થઈ રહ્યા છે. નિષ્પક્ષતા સામે શંકા ઉઠાવાઈ છે. મતદાર યાદીઓની સાફ-સૂફી શરૂ થઈ તેનો વિરોધ થાય છે અને બીજી બાજુ યાદીમાં ભૂલ-ચૂક ગોટાળાની ફરિયાદ થઈ છે - તો સફાઈનો વિરોધ શા માટે? પંચની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવીને સમર્થન આપ્યું છે છતાં વિરોધ પક્ષો રાજકીય આંદોલનના માર્ગે છે. ચૂંટણીમાં અવિશ્વાસ જગાવવાના પ્રયાસ સામે જનતાએ જાગૃત રહેવું પડશે. બિહાર - અને બંગાળમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પ્લાન લોકતંત્ર માટે ખતરનાક છે. 1975 જેવી અરાજકતા ઊભી કરીને વિપક્ષ વિશ્વમાં ભારતની સફળ લોકશાહીને બદનામ કરવા માગે છે.

સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહથી ઊજવવાના બદલે વિપક્ષી નેતાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે! સંસદમાં કાર્યવાહીમાં અવરોધ ઊભા થયા તેથી મહત્ત્વના ખરડા ગંભીર ચર્ચા વિના જ પસાર થયા. જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના પ્રતિનિધિઓ છે? જનતાનાં હિતની - રજૂઆત કરે છે? યુવા ભારતનાં અરમાન - સ્વપ્ન સાકાર કરવાની ચિંતા કોઈને છે? માત્ર આક્ષેપબાજી અને સત્તાની સાઠમારી ચાલ્યા કરે તો ભારતની યુવા પેઢીને લોકતંત્રમાં વિશ્વાસ ક્યાં સુધી ટકી શકશે? ચૂંટાયેલા નેતાઓની ફરજ છે કે લોકોનો વિશ્વાસ વધે, સંસદની કાર્યવાહી જોઈને વિકાસના સ્વપ્ન સિદ્ધ થવાની શ્રદ્ધા અડગ રહે પણ હવે સ્થિતિ જુદી છે. સંસદમાં ધાંધલ-ધમાલ થાય. માનનીય સભ્યો, શિસ્ત અને નિયમોની ઐસી-તૈસી કરે અને પછી વિપક્ષી નેતા આક્ષેપ કરે કે ગૃહમાં કેન્દ્રીય ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના જવાનોને બોલાવવામાં આવ્યા! વાસ્તવમાં આવી ફરિયાદ - અથવા આક્ષેપ તદ્દન ખોટા અને ગેરવાજબી છે. સંસદનાં બંને ગૃહોમાં કોઈ પોલીસ પ્રવેશી શકે નહીં - માત્ર અલગ સલામતી અધિકારીઓ - માર્શલ જ આવી શકે. રાજ્યસભામાં માનનીય સભ્યોએ બેંચ - બેઠકો ઉપર ચડીને સૂત્રો પોકાર્યા, સરકારી કાગળો ફાડીને ઉડાવ્યા ત્યારે તત્કાલીન અધ્યક્ષ - ધનખડે આંખમાંથી આંસુ પાડયાં પણ માર્શલને બોલાવ્યા નહીં! વિપક્ષી નેતાના આક્ષેપને રદિયો અપાયો પણ કોઈને ખેદ નથી! સંસદની ગરિમા આ રીતે જળવાય? સંસદ ભવનના પ્રાંગણમાં વિરોધ પક્ષો દેખાવો કરે અને રાજ્યસભાના અધ્યક્ષના ચેનચાળા કરે ત્યારે નેતાઓ તાળીઓ પાડે - આવાં દૃશ્યથી ભારતની નવી પેઢીને કેવી પ્રેરણા મળે?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરતા આક્ષેપ કર્યો કે ગલવાનમાં આપણા જવાનોની પીટાઈ કરીને ચીની સૈનિકોએ ખોખરા કર્યા - ચીને આપણી 2000 ચો.િક.મી. ભૂમિ પચાવી પાડી છે - ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમને જવાબદારીનું ભાન કરાવ્યું - ‘સાચ્ચા-ખરા ભારતીય આવું કદી બોલે નહીં - છતાં આવી ‘ટકોરની કોઈ અસર થાય છે ખરી?

અત્યાર સુધી ચૂંટણીમાં ‘વોટ બૅન્કનો વિવાદ હતો. વોટિંગ મશીન ઉપર શંકા - અવિશ્વાસ હતો અને આક્ષેપ થયા હતા અને ખોટા સાબિત થયા, પણ હવે ચૂંટણી પંચની નિષ્પક્ષપાત કાર્યવાહી અને મતદાર યાદીમાં ગોલમાલના આક્ષેપ થયા છે. બિહારમાં મતદાર યાદીની ફેર-તપાસ સાફસૂફી થઈ તેની સામે વિરોધ થયો. સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવી પડી. વાસ્તવમાં દાયકાઓ પહેલાં આસામના ફખરુદ્દીન અલી અહમદે પૂર્વ પાકિસ્તાની (બંગાળ)ના ઘૂસણખોરોને મતાધિકાર આપ્યા હતા. હવે બિહારમાં મૃત નાગરિકોનાં નામ યાદીમાં નીકળ્યાં છે!

સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિએ ચૂંટણી સુધારાની વાત કરી છે - મુખ્ય - મહત્ત્વનો સુધારો મતદારોની યાદી પ્રામાણિક - પારદર્શી હોવી જોઈએ - જો આ પ્રક્રિયાનો વિરોધ હોય, બહિષ્કાર થાય તો પછી લોકતંત્ર અને સંવિધાનમાં વિશ્વાસ રહેશે?

ન્યાયમૂર્તિઓએ કોમવાદ અને ચૂંટણી સુધારા તરફ ઇશારો કર્યો છે પણ અત્યારે ચૂંટણી પંચ સામે પડકાર ઊભા થયા છે. સંવિધાનમાં તો પંચને સ્વાયત્તતા મળી છે પણ વોટિંગ મશીન ઉપરની શંકાનું નિવારણ જાહેરમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ થયા પછી હવે ખુદ પંચની નિષ્પક્ષતા ઉપર શંકા અને આક્ષેપ છે. કોમવાદ અને વોટ બૅન્કનો મુદ્દો હાંસિયામાં છે પણ બિહારમાં મતદાર યાદીઓની ફેરતપાસ શરૂ થઈ અને મૃત નાગરિકોનાં નામ યાદીમાંથી બાદ કરવાની શરૂઆત થઈ. લાખ્ખો બિહારીઓ નોકરીધંધા માટે સ્થળાંતર કરી ગયા હોય એમનાં નામ મતદાર યાદીમાં હોય તેનો દુરુપયોગ થાય નહીં - તેથી રદ કરવાં પડે - આવાં લાખ્ખો નામ નીકળ્યાં ત્યારે રાજકીય પક્ષોએ વિરોધ કર્યો. વિરોધ કાનૂની નહીં, રાજકીય થઈ રહ્યો છે.

બિહારના વિરોધમાં હવે વોટ બૅન્ક પછી ‘વોટ ચોરીનો મુદ્દો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પંચે ભાજપની તરફેણમાં ગોલમાલ કરી અને મોદી માત્ર પચીસ બેઠકો આ રીતે મેળવીને વડા પ્રધાન બની ગયા એવી ફરિયાદ રાહુલ ગાંધીની છે - પણ ‘ગોલમાલથઈ હોય તો ભાજપને ચોખ્ખી બહુમતી કેમ મળી નહીં? મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટિંગ મશીનમાં ‘કરામતથઈ હોવાની ફરિયાદ તો શરદ પવાર અને પછી સંજય રાઉતે કરી છે! પંચે ભાજપના લાભમાં વોટ ચોરી કરી હોવાનો આક્ષેપ ગંભીર છે. બે અજાણ્યા લોકો પવાર અને રાહુલ ગાંધીને ક્યારે, શા માટે મળ્યા તેની તપાસ ચૂંટણી પંચે માગવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક