કોમનવેલ્થ રમતોત્સવનું યજમાન ગુજરાત બનશે તેવા હરખના સમાચાર હજી તો વાયરલ છે ત્યાં જ ગુજરાતની વધુ એક સિદ્ધિ જાહેર થઈ છે. રાજ્યની પ્રતિવ્યક્તિ આવક પ્રથમવખત રૂ. 3 લાખનો આંકડો પાર કરી ગઈ છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો રાજ્યની ઊંચી શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારીનો આ જીવંત સકારાત્મક પુરાવો છે. સામાન્ય દૃષ્ટિએ એવું કહી શકાય કે ગુજરાતની પ્રજાના પરિશ્રમ અને આર્થિક ઉન્નતિના દૃષ્ટિકોણનું આ ઉજ્જવળ પરિણામ છે. સ્થાપનાકાળથી ગુજરાત પ્રગતિશીલ રહ્યું છે, છેલ્લાં પચ્ચીસ વર્ષ તેમાં વધારે અગત્યના છે કારણ કે 2001નો ભીષણ ધરતીકંપ, વિવિધ પ્રકારના વાવાઝોડાં અને કોરોનાના બે-અઢી વર્ષ આ અઢી દાયકામાં સમાવિષ્ટ છે છતાં ગુજરાતે આ આર્થિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 2012-13 થી 2023-24ના સમયમાં ગુજરાતે સરેરાશ 8.42 ટકા વૃદ્ધિદર પ્રાપ્ત કર્યો જે 10 લાખ કરોડથી વધારેની અર્થવ્યવસ્થા ધરાવતા તમામ રાજ્યોમાં સર્વાધિક છે. રાજ્યમાં ઘરેલુ ઉત્પાદન 2011-12માં 6.16 લાખ કરોડ હતું જે 2023-24માં વધીને 24.62 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે તેવો સરકારનો અહેવાલ છે. આ આંકડા સાથે ગુજરાત હવે ભારતના ટોચના પાંચ અર્થતંત્રોમાં સામેલ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ ગુજરાતની આગળ છે. ગુજરાતની પરંપરાનું પ્રતીક ગરબો, ગુજરાતનું પ્રાચીન સ્થાપત્ય સૂર્યમંદિર અને રાણકી વાવ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, ગુજરાત વર્ષોથી વહાણવટાંનું અગત્યનું કેન્દ્ર છે, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે પણ સફળ રાજ્ય છે. 2025નું આ વર્ષ માઈલસ્ટોન વર્ષ કહી શકાય તે વેળાએ જ વ્યક્તિદીઠ આવક અહીં રૂ.3,00,957 થઈ છે. સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થયેલા ત્રીજા ક્વાર્ટરના અંતે જાહેર થયેલા આ આંકડાઓ ગુજરાતની પ્રજા અને ગુજરાત સરકારની નિસબત તથા પરિશ્રમ, પુરુષાર્થની સાબિતી આપે છે. માળખાંકીય સુવિધા,શહેરીકરણના ભાગ રુપે આધુનિક પુલ, સ્માર્ટસિટીનું નિર્માણ સહિતના પ્રકલ્પો, આધુનિક બસપોર્ટ આ બધી બાબતો પણ અહીં સમાવિષ્ટ છે. ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે તે વાત આ આંકડાઓ ઉપરથી ચરિતાર્થ થાય છે. ગુજરાતમાં એ વાતાવરણ છે કે અહીં આર્થિક રોકાણ આવે છે. પ્રજાકીય અભિગમ, નવા વેપારપ્રકલ્પો માટેની સાનુકૂળતા, શાસનનો સહયોગ એ બધી બાબતો પણ આ પ્રગતિ માટે શ્રેયસ્કર છે. દીપે અરુણુ પરભાત, જય જય ગરવી ગુજરાત હવે સાંસ્કૃતિક ક્ષેત્રે જ નહીં, આર્થિક ક્ષેત્રે પણ ગૂંજી રહ્યું છે.