• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

પૌષ્ટિક આહાર અમીરોનો શોખ ! ગરીબોની તુલનામાં દોઢ ગણું વધારે પ્રોટીનનું સેવન

આંકડા અનુસાર ભારતમાં પ્રોટીનનું સેવન રાષ્ટ્રીય પ્રાથમિકતામાં સામેલ થવું જોઈએ : દરરોજના 55.6 ગ્રામ પ્રોટીનમાંથી 50 ટકા હિસ્સો અનાજનો

નવી દિલ્હી, તા. 13 : ભારતીયોના ભોજનમાં પ્રોટીનની માત્રાનો લગભગ અડધો હિસ્સો હવે ચોખા, ઘઉં, સૂજી અને મેંદા જેવા અનાજમાંથી આવે છે. ભારતની સૌથી અમીર 10 ટકા આબાદી સૌથી ગરીબ આબાદીની તુલનાએ પોતાના ઘરમાં 1.5 ગણા વધારે પ્રોટીનનું સેવન કરે છે અને પશુ આધારિત પ્રોટીનના ત્રોત સુધી પણ પહોંચ વધારે છે.

આ જાણકારી ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ (સીઈઈડબલ્યુ)ના એક નવા સ્વતંત્ર અભ્યાસમાં સામે આવી છે. જેમાં 2023-24 એનએસએસઓ ઘરેલુ ઉપયોગ વ્યય સર્વેક્ષણ આંકડાના આધારે ખાન-પાનના પરિણામનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભારતીય સરેરાશ 55.6 ગ્રામ પ્રોટીનનું દરરોજ સેવન કરે છે. જો કે અભ્યાસમાં સામે આવ્યું છે કે પ્રોટીનનો લગભગ 50 ટકા હિસ્સો અનાજમાંથી મળે છે. જેમાં             ઓછી ગુણવત્તાનું અમીનો એસિડ હોય છે. જે સરળતાથી પચતું નથી. પ્રોટીનમાં અનાજની હિસ્સેદારી રાષ્ટ્રીય પોષણ સંસ્થાન (એનઆઈએલ) તરફથી સુચવવામાં આવેલા 32 ટકા કરતા ઘણું વધારે છે.

દાળ, ડેરી ઉત્પાદન, ઈંડા/માછલી/માંસ જેવા ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીન ત્રોત ભોજનથી બહાર જઈ રહ્યા છે. પ્રોટીન શારીરિક વિકાસ, સુધાર અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત બનાવવામાં મદદ કરે છે. સીઈઈડબલ્યુ અભ્યાસમાં સામે આવ્યું છે કે ભોજનમાં શાક, ફળ અને દાળ જેવા પ્રમુખ ખાદ્ય સમૂહનું સેવન ઓછું છે જ્યારે ભોજન બનાવા તેલ, નમક અને ખાંડનો ઉપયોગ વધારે છે.

સીઈઈડબલ્યુના અપૂર્વ ખંડેલવાલ અનુસાર આ અભ્યાસ ભારતની ખાદ્ય પ્રણાલીમાં છુપાયેલા સંકટને સામે લાવે છે. જેમ કે ઓછી ગુણવત્તાના પ્રોટીન ઉપર વધારે નિર્ભરતા, અનાજ અને તેલથી વધુ કેલેરીનું સેવન, વિવિધતાપૂર્ણ પોષક તત્વો ધરાવતી સામગ્રીનો ઉપયોગ ઓછો થાય છે.

સૌથી ગરીબ 10 ટકા ઘરનો એક વ્યક્તિ એક અઠવાડીયામાં માત્ર બે-ત્રણ ગ્લાસ દધૂ અને બે કેળા બરાબર ફળ ખાય છે જ્યારે સૌથી અમીર 10 ટકા ઘરની એક વ્યક્તિ 8-9 ગ્લાસ દૂધ અને 8-10 કેળા બરાબર ફળનું સેવન કરે છે. જે સંતુલિત આહાર સુધી પહોંચમાં વ્યાપક અસમાનતા દર્શાવે છે.

આ સાથે પોષણ અને આવક માટે અમુક પાક ઉપર વધુ પડતી નિર્ભરતા જળવાયુ ઉપર બોજ વધારે છે. આ માટે ભોજનની થાળીથી લઈને ખેતીમાં વિવિધતા લાવવી એક રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઈએ. છેલ્લા એક દશકમાં ભારતમાં પ્રોટીનનું સેવન થોડું વધ્યું છે. જો કે તે પર્યાપ્ત નહી. સરકારના આંકડા પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ પ્રતિદિવસ સરેરાશ પ્રોટીનનું સેવન 2011-12 અને 2023-24 વચ્ચે 60.7 ગ્રામથી વધીને 61.8 ગ્રામ અને શહેરી વિસ્તારમાં 60.3 ગ્રામથી વધીને 63.4 ગ્રામ થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક