ટિકિટ
વેચાપના પ્રચાર પોસ્ટર મુદ્દે આઇસીસી સામે વાંધો નોંધાવ્યો
ઈસ્લામાબાદ,
તા. 13 : પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ આગામી વર્ષે થનારા ટી20 વિશ્વકપની ટિકિટનાં વેચાણ
માટે જાહેર કરવામાં આવેલા પ્રચાર પોસ્ટરમાં પોતાના કેપ્ટન સલમાન અલી આગાની તસવીર ન
હોવાનાં કારણે આઇસીસીથી નાખુશ છે. પીસીબીના એક વિશ્વસનીય સૂત્ર અનુસાર આ મામલો આઇસીસી
સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે, કારણ કે પ્રચાર પોસ્ટરમાં માત્ર પાંચ કેપ્ટનની તસવીર છે.
જેમાં સૂર્યકુમાર યાદવ, એડન માર્કરમ, મિચેલ માર્શ, દાસુન શનાકા અને હેરી બ્રુક સામેલ
છે.
સૂત્ર
અનુસાર અમુક મહિના પહેલાં એશિયા કપમાં પણ આવી જ સ્થિતિ બની હતી જ્યારે પ્રસારકોએ પાકિસ્તાની
કેપ્ટનની તસવીર વિના જ પ્રચાર શરૂ કરી દીધો હતો. પીસીબીએ એસીસીને વાત કર્યા બાદ સ્થિતિમાં
બદલાવ આવ્યો હતો. પાકિસ્તાની સૂત્ર અનુસાર આ વખતે પણ સમાન સ્થિતિ બની છે કારણ કે આઈસીસીએ
ટિકિટના વેચાણ માટે જાહેર કરેલા પોસ્ટરમાં પાકિસ્તાની કેપ્ટનની તસવીર નથી. ભલે પાકિસ્તાની
આઈસીસી ટી20 રેન્કિંગમાં શીર્ષ પાંચમાં ન હોય પણ તેનો એક સમૃદ્ધ ઈતિહાસ છે અને વિશ્વકપમાં
સૌથી વધારે ધ્યાન ખેંચનારી ટીમમાંથી એક છે.
આગળ
કહેવામાં આવ્યું હતું કે, પીસીબીને પૂરો ભરોસો છે કે આઇસીસી પ્રચાર પોસ્ટમાં પાકિસ્તાની
કેપ્ટનને સામેલ કરશે. ટી20 વિશ્વકપ 2026 માટે ટિકિટનું વેચાણ ગુરુવારથી શરૂ થઈ ચૂક્યું
છે. જેમાં અમુક જગ્યાએ પહેલા તબક્કામાં કિંમત 100 રૂપિયા કે 1000 શ્રીલંકન રૂપિયા જેટલી
ઓછી રાખવામાં આવી છે. ભારત અને શ્રીલંકા સાત ફેબ્રુઆરીથી આઠમી માર્ચ સુધી વિશ્વકપની
મેજબાની કરવાના છે.