• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

આઈસીસી અને જીયોસ્ટારનો સંબંધ યથાવત્

ઝ-20 વિશ્વકપનો આનંદ માણી શકશે જીયોસ્ટારના યુઝર્સ

નવી દિલ્હી, તા. 13 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ અને મીડિયા દિગ્ગજ જિયોસ્ટારે મીડિયામાં પ્રસારિત થઈ રહેલી અટકળો અને અહેવાલો ઉપર વિરામ મુકીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. વાયરલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જીયોસ્ટાર ભારતમાં આઈસીસી ઈવેન્ટસને બ્રોડકાસ્ટ કરવાની ડીલ ખતમ કરવા ઈચ્છે છે. જો કે જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં આઈસીસી અને જીયોસ્ટારે પુષ્ટિ કરી છે કે તેમના વચ્ચે થયેલી મીડિયા અધિકારની સમજૂતિ મજબુત અને પ્રભાવી છે.

આ નિવેદન એવા રિપોર્ટસ બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમજૂતિમાં અમુક આર્થિક કે કાયદાકીય અડચણો આવી છે. અથવા તો શરતોમાં બદલાવ કરવામાં આવ્યો છે. બન્ને પક્ષે પુષ્ટિ કરી છે કે, આઈસીસી ઈવેન્ટસ મીડિયા અધિકાર માટે કરવામાં આવેલી સમજૂતિ નક્કી શરત અને અવધિ અનુસાર લાગુ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બન્ને સંગઠન વૈશ્વિક ક્રિકેટ પ્રશંસકોને સર્વશ્રેષ્ઠ સામગ્રી પ્રદાન કરવા માટે ભાગીદારીને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

આઈસીસી ટી20 વિશ્વકપ 2026નું સાત ફેબ્રુઆરીથી આઠમી માર્ચ સુધી આયોજન થવાનું છે. જેના ભારત અને શ્રીલંકા સંયુક્ત મેજબાન છે. ભારતમાં ચાહકો જીયોસ્ટાર ઉપર મેચનો આનંદ મેળવી શકશે. જીયોસ્ટારે 2023માં આઈસીસી સાથે 2024-27ના ઈન્ડિયા મીડિયા રાઈટ્સ માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ ડીલ 2024-27 માટે ત્રણ અબજ ડોલરની હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક