• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

ચાંદી રેકોર્ડબ્રેક ઊંચાઇએ જતાં ઝવેરાતના કામકાજ ઠપ

રોકાણકારોને પચ્ચીસથી પચ્ચાસ હજારનો નફો છતાં વેચવાલી નથી: ચોવિસ કલાકમાં પંદર હજારની આક્રમક વધઘટ

રાજકોટ,તા.13: (ફૂલછાબ ન્યૂઝ) ચાંદીના ભાવ દિવાળી બાદ શાંત પડયા પછી ફરીથી તીવ્ર તેજી સાથે વિક્રમજનક ઉંચો ભાવ થતાં રાજકોટની હાર્દસમી ચાંદી બજારમાં સોદા સાવ ઠપ થઇગયા છે. ચાંદી કામ કરનારો વર્ગ નવી ચાંદી ખરીદી શકે નહીં એવો અવાસ્તવિક ભાવ થઇ ગયો છે. રોકાણકારો પણ ગાયબ છે.

ચાંદીનો ભાવ શુક્રવારે એમસીએક્સ વાયદામાં રૂ. 2.01 લાખની સપાટીને સ્પર્શી ગયો હતો. જોકે રાજકોટની બજારમાં 1.99 લાખનો ભાવ થયો હતો. બાદમાં રૂ. 1,86,300નો ભાવ થઇ ગયો હતો. પચ્ચીસ દિવસના ટૂંકાગાળામાં રૂ. 45 હજારની તેજી થઇ જતા સૌ અવાચક બની ગયા છે. વેપાર થઇ શકે તેમ નથી.

રાજકોટમાં ઉપલાકાંઠે ચાંદીનું ભારે મોટું કામકાજ થતું હોય છે પણ ચાંદીના ભાવને લીધે અત્યારે 10-20 ટકા જ ધંધો બચ્યો છે. સૌ ચાંદીના એકધારા વધતા ભાવને લીધે આર્થિક નુક્સાન થવાના ભયે વેપાર કરતા ડરે છે. બીજી તરફ ચાંદીના દાગીનાની માગ પણ સાવ મંદ પડી ગઇ છે. હવે લગ્નગાળો પૂરો થયો છે એ કારણે પણ ચાંદી બજારમાં ઝવેરીઓનો મૂડ નથી.

ઉપલાકાંઠાના એક ડિલર કહે છે, ચાંદીમાં પાંચ હજારનો ભાવ રોજ ફરતો હતો પણ હવે દસ પંદર હજાર ફરવા લાગ્યા છે. તેજી જોખમી તબક્કે છે. ઝવેરીઓ પાસે કોઇ નવા રોકાણકાર ખરીદવા આવવાની હિંમત નથી કરતા. જોકે દિવાળી પછી રૂ. 1.40 કે 1.50 લાખમાં ખરીદી કરી ગયા હતા તેવા વર્ગની વેચવાલી પણ બજારમાં દેખાતી નથી.

વિષ્લેષકો કહે છે કે, આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ બે લાખ, સવા બે લાખ કે ત્રણ લાખ પણ થવાની ચર્ચા બજારમાં થવા લાગી છે એટલે ઝવેરાત બનાવનારા મુંઝાયા છે. રોકાણકાર વર્ગ અત્યારે ખરીદી કરવાને બદલે માલ હાથ પર રાખીને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ચાંદીના ઝવેરાતની માગ તો સવા લાખનો ભાવ થયો ત્યારથી સાવ કપાઇ ગઇ છે. હવે ચાંદી ખરીદનારો વર્ગ ઇમિટેશન તરફ વધારે વળી રહ્યો છે. કોઇ વર્ગ સોનું પણ ઓછાં વજનમાં ખરીદીને ચલાવે છે. અલબત્ત, અત્યારે ભારેખમ તેજીને લીધે કામકાજ ઘટી જતા કારીગરો નવરાધૂપ થતાં જાય છે. રાજકોટમાં ચાંદીકામ કરનારો વર્ગ આશરે દોઢ લાખ જેટલો હશે. જોકે આડકતરી રોજગારી મેળવતો વર્ગ ખૂબ મોટો હશે.

ઇ-પેપરના નવા શુલ્ક