• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

બંગાળમાં મેસ્સીના કાર્યક્રમમાં ઉત્પાત : મમતાની માફી

સ્ટેડિયમમાં ફૂટબોલર મેસ્સીની ઝલક પણ મેળવી ન શકતા લોકોએ હંગામો કર્યો : અધવચ્ચે કાર્યક્રમ રોકી મેસ્સીને સ્ટેડિયમની બહાર લાવવો પડયો : આયોજકની ધરપકડ, તપાસ માટે સમિતિનું ગઠન

કોલકાતા, તા. 12 : સાલ્ટ લેક સ્ટેડિયમમાં શનિવારે સવારે લિયોનેલ મેસ્સીની યાત્રા ફૂટબોલ પ્રેમિઓ માટે ઉત્સવને બદલે અફરાતફરીમાં બદલાય હતી. દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલરની એક ઝલક મેળવવાની આશામાં હજારો દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જો કે અવ્યવસ્થા, સુરક્ષામાં ચૂક અને ખરાબ મેનેજમેન્ટે માહોલખ બગાડી નાખ્યો હતો. મેસ્સીના મેદાનમાં   પહોંચતા જ ભીડ બેકાબૂ બની હતી. જેના કારણે કાર્યક્રમ અધવચ્ચે રોકવો પડયો હતો અને અમુક મિનિટમાં જ મેસ્સીએ સ્ટેડિયમ છોડી દીધું હતું. મેસ્સીને જોવા માટે ટિકિટની મોટી કિંમત ચુકવનારા પ્રશંસકોમાં નિરાશા અને ગુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ ઉપર સીએમ મમતા બેનરજીએ માફી માગી હતી. બાદમાં આયોજકની ધરપકડ કરવામાં આવી હતી. જેનું નામ શતદ્રુ દત્તા છે.

પ્રતિક્રિયા આપતા મમતા બેનરજીએ કહ્યું હતું કે સાલ્ટ લેક સ્ટેડિયમમાં બનેલી અવ્યવસ્થાથી પોતે ખુબ જ હેરાન પરેશાન છે. તેઓ હજારો ખેલ પ્રેમિયો અને ફેન્સ સાથે ઈવેન્ટમાં સામેલ થવા માટે સ્ટેડિયમ જઈ રહ્યા હતા. જેઓ પોતાના પસંદગીના ફૂટબોલ સ્ટાર મેસીની એક ઝલક જોવા માટે એકત્રિત થયા હતા. તેઓ મેસી સાથે તમામ ખેલ પ્રમિઓની માફી માગે છે. તેઓ જસ્ટિસ (નિવૃત્ત) અસીમ કુમાર રેની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી રહ્યા છે. જેમાં મુખ્ય સચિવ, એડિશનલ મુખ્ય સચિવ, ગૃહ અને પહાડી મામલાના વિભાગના સભ્ય સામેલ હશે. આ સમિતિ ઘટનાની વિસ્તારથી તપાસ કરશે. જવાબદારી નક્કી કરશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ઉપાય સુચવશે. તેઓ ફરી એક વખત ખેલ પ્રેમિઓની માફી માગે છે.

હકીકતમાં મેસ્સી મેદાનમાં આવતા સ્થિતિ બેકાબુ બની હતી. અરાજકતાના કારણે કાર્યક્રમને અધવચ્ચે રોકી દેવો પડયો હતો. જેનાથી સ્ટેડિયમમાં કાર્યક્રમમાં હાજર બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્યમંત્રી મમતા બેનરજીની દિગ્ગજ ફૂટબોલ સ્ટાર સાથે મુલાકાત થઈ શકી નહોતી. આ ઉપરાંત સ્ટેડિયમ રાજકીય દાવપેચનો અડ્ડો બની ગયો હતો. ટીએમસી સમર્થકો સુરક્ષા લેયર તોડીને મેદાનમાં ઘુસી આવ્યા હતા. હાલત એટલી બગડી હતી કે જીઓટી ટુરના આયોજક શતદ્રુ દત્તા અને મેસ્સીને સુરક્ષા કર્મચારીઓએ સ્ટેડિમમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવા પડયા હતા. આ દરમિયાન ખેલાડીને જોવા માટે 4500થી 10 હજાર રૂપિયાની ટિકિટ લેનારા પ્રશંસકો ગુસ્સે ભરાયા હતા અને બોટલો ફેંકી હતી તેમજ સીટો તોડી નાખી હતી. બાદમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.

બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે  તેઓ તપાસ કરી રહ્યા છે કે શું આયોજકો તરફથીથી અવ્યવસ્થા થઈ હતી. જેના કારણે સ્ટેડિયમમાં અફરાતફરી મચી હતી. આયોજકને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક