• બુધવાર, 08 જુલાઈ, 2026

અલવિદા ખામેનેઈ


યુદ્ધ દરમ્યાન અમેરિકી હુમલાનો ભોગ બનેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કાર અને દફન સમારોહમાં ભારતને પાઠવવામાં આવેલું ઔપચારિક આમંત્રણ એક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક ઘટના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝશ્કિયાને વડા પ્રધાન મોદીને વ્યક્તિગત નિમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ વડા પ્રધાનની અગાઉથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને લીધે ભારતે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલ્યું, જેમાં બિહારના રાજ્યપાલ લેફ્ટ. જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિટા સામેલ છે. ઈરાને દેશની મુખ્ય ધારાના કેટલાય રાજકીય પક્ષના નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું, જેમાં કૉંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ સામેલ છે. ભાજપપ્રમુખ નીતિન નબીન, જમ્મુ કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી તથા પાંચ શિયા ધર્મગુરુને પણ આમંત્રિત કરવામાં આવ્યા. ઈરાનનો સંદેશ સ્પષ્ટ છે કે, તે ભારતમાં માત્ર શાસક પક્ષ સાથે જ નહીં બલકે દેશની સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થા અને નેતાગીરી સાથે સંબંધ જાળવવા માગે છે. ઈરાન અને ભારતના સંબંધો ખૂબ જૂના છે. તે કોઈ સરકાર કે કાર્યકાળ પૂરતા સીમિત ન હોઈ શકે.

અહીં એ નોંધનીય છે કે, ભારત અમેરિકા અને ઇઝરાયલ એ બન્ને દેશ સાથે ગાઢ મૈત્રી સંબંધો ધરાવે છે. નેતન્યાહુ અને મોદીની દોસ્તી મજબૂત છે. ટ્રમ્પના વિચિત્ર વ્યવહાર છતાં મોદી સાથે તેમણે ખાસ સંબંધ હોવાનો વખતોવખત પુનરોચ્ચાર કર્યો છે. એવામાં એ બન્ને દેશ સાથે યુદ્ધે ચડેલાં ઈરાનની ગૂડબૂકમાંય સામેલ રહેવું અને એક મહાન લોકતાંત્રિક દેશ તરીકેની ભૂમિકા નિભાવવી એ આપણી સશત્ર ઇચ્છાશક્તિ અને રણનૈતિક સ્વાયત્તતાનું દૃષ્ટાંત છે. એક રીતે ઈરાનના ટોચના નેતૃત્વને પણ આપણો સહાનુભૂતિનો સંદેશ છે.

ઈરાનીઓ કહે છે કે, દુશ્મનો બૉમ્બ-મિસાઇલ વરસાવતા હતા, ત્યારે ખામેનેઈએ બંકરમાં ભરાઈ રહેવાને બદલે સત્તાવાર કાર્યાલયમાં રહીને મોતનો સામનો કરવાનું પસંદ કર્યું હતું. 86 વર્ષીય આયાતુલ્લાહએ ત્રણ દાયકા ઈરાન પર શાસન કર્યું. તેમના પૂર્વજોનો સંબંધ ઉત્તર પ્રદેશના કિંતુર ગામથી હતો. તેઓ ભારતયાત્રાએ આવ્યા હતા. કર્ણાટકના ચિકબ્બાપુર ગામમાં એક હૉસ્પિટલનું તેમણે 1981-82માં ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ મધ્ય-પૂર્વના સૌથી તાકાતવર નેતા હતા. નેહરુજીના લેખન અને વિચારોથી તેઓ પ્રભાવિત હતા.

9 જુલાઇ ગુરુવારે મશહદમાં પ્રખ્યાત ઇમામ રઝાની દરગાહમાં દફનવિધિ સંપન્ન થશે. અલબત્ત, ઈરાનના શાસન સામે આંગળી ચીંધનારા લોકો રૂઢિચુસ્તતા, મહિલાઓ પરનાં નિયંત્રણ, વિરોધ પ્રદર્શનોને લોખંડી હાથે કચડી નાખવાના બનાવોને ખામેનેઈ શાસનનાં નકારાત્મક પાસાં લેખાવે છે. મહિલાઓને તેમણે બુરખામાં જ રાખી અને 2022માં બુરખા વગર નીકળેલી મહસા અમીનીની ધરપકડ થઈ, અંતે સંદિગ્ધ અવસ્થામાં તેનું મોત નીપજ્યું હતું.


ઇ-પેપરના નવા શુલ્ક