• બુધવાર, 08 જુલાઈ, 2026

બે દાયકા બાદ ગાઝામાં શાસન છોડતું હમાસ

-અમેરિકાની મધ્યસ્થતામાં બનેલી સમિતિને સત્તા સોંપી દેવાની તૈયારી ઈઝરાયલ ઉપર દબાણ વધશે

નવીદિલ્હી, તા.7 આશરે બે દાયકા સુધી ગાઝા પર શાસન કર્યા બાદ હમાસે સત્તા છોડવાની જાહેરાત કરી છે. પેલેસ્ટાનિયન સશસ્ત્ર સંગઠને ગાઝાના વહીવટની જવાબદારી સંભાળવા માટે અમેરિકાનાં સમર્થનથી રચાયેલી ટેક્નોક્રેટિક કમિટીને આમંત્રણ આપ્યું છે. કમિટીની રચના અમેરિકાની મધ્યસ્થતામાં થયેલા યુદ્ધવિરામ કરાર હેઠળ કરવામાં આવી હતી. હમાસ શાસન છોડવા માટે તૈયાર હોવાનું કહી રહ્યું છે, પરંતુ તેણે હથિયારો છોડવાનું કોઈ વચન આપ્યું નથી.

હમાસની જાહેરાત બાદ સવાલ ઊભો થયો છે કે 2007થી ગાઝા પર શાસન કરનાર હમાસ પછી હવે ગાઝાનું ભવિષ્ય શું હશે ? હમાસના સરકારી મીડિયા કાર્યાલયના વડા ઇસ્માઇલ અલ-થવાબતાએ જણાવ્યું હતું કે સરકારની ઇમરજન્સી કમિટીના વડા મોહમ્મદ અલ-ફરાએ સત્તાવાર રીતે પોતાનું રાજીનામું આપી દીધું છે.  હમાસે ફતાહથી અલગ થયા બાદ ગાઝા પર કબજો જમાવ્યો હતો. હવે નિયંત્રણ છોડવું હમાસ દ્વારા આપવામાં આવેલી સૌથી મોટી રાજકીય રાહત માનવામાં આવી રહી છે. હવે હમાસનું કહેવું છે કે ઇઝરાયલના લગભગ બે વર્ષથી ચાલતા વિનાશકારી હુમલાઓ બાદ તે ગાઝાનાં પુનર્નિર્માણ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિક શાસન છોડવાનો નિર્ણય તેનો પુરાવો છે. હવે ઇઝરાયલ પર પણ દબાણ રહેશે કે તે ટેક્નોક્રેટિક કમિટીને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપે અને વહીવટની જવાબદારી સંભાળવા દે.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક