ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ જ્યાં રોકાયા હતાં તે હોટેલની નજીક જ અનેક ધડાકાઃ મેક્રોં નીકળ્યા પછી થયા વિસ્ફોટ
નવી દિલ્હી, તા. 7ઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની સીરિયા મુલાકાત દરમિયાન રાજધાની દમાસ્કસમાં એક પછી એક શ્રેણીબદ્ધ ધડાકાથી હચમચી ઉઠી હતી અને આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે રાષ્ટ્રપતિ મેક્રોં સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેઓ જ્યાં રોકાયા હતા તે ફોર સીઝન્સ હોટેલની નજીક અનેક વિસ્ફોટક ઉપકરણો ફાટÎા હતાં. જેને પગલે મેક્રોંની સુરક્ષામાં ગંભીર મોટી ચૂક ઉજાગર થઈ હતી. સીરિયાના મીડિયાનાં અહેવાલો અનુસાર રાજધાનીના મધ્ય વિસ્તારમાં બે જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વાહનમાં આગ લાગેલી જોવા મળે છે, જ્યારે રસ્તા પર લોહીના ડાઘ પણ સ્પષ્ટ દેખાય છે. જોકે હજુ સુધી આ વિસ્ફોટોમાં કેટલા લોકોના મૃત્યુ થયા અથવા કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સુરક્ષા સૂત્રોના હવાલાથી મળતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, મેક્રોં જે હોટેલમાં રોકાયા હતાં, તેની આસપાસ અનેક વિસ્ફોટક ઉપકરણો ફાટÎા હતા. વિસ્ફોટો બાદ આસપાસના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલય એલિસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મેક્રોં સવારે બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન જવા હોટેલમાંથી નીકળી ગયા બાદ આ ઘટના બની હતી.
રાષ્ટ્રપતિ મેક્રોં સોમવારે સીરિયા પહોંચ્યા હતા. 2024માં બશર અલ-અસદના શાસનના પતન બાદ સીરિયાની મુલાકાત લેનારા તેઓ યુરોપિયન સંઘના પ્રથમ નેતા છે. તેમની સાથે ફ્રાન્સનું એક વેપારી પ્રતિનિધિમંડળ પણ છે, જેમાં સીએમએ-સીજીએમના રોડોલ્ફ સાદે અને ટોટલએનર્જીઝના પેટ્રિક પોયાનેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મહિના સુધી ચાલેલા યુદ્ધ બાદ મધ્યપૂર્વમાં પ્રમાણમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. દમાસ્કસથી મેક્રોં આજે નાટો શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તુર્કીની રાજધાની અંકારા જવાના હતાં.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ દમાસ્કસના જસ્ટિસ પેલેસ નજીક આવેલા એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. હવે ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હાલ તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. જોકે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ હુમલો કયા સંગઠને કર્યો છે. આ ઘટનાને ફ્રાન્સના રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે.