વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા યાત્રામાં સંરક્ષણ, અવકાશ, ખનિજો, કૃષિ, ચૂંટણી વ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં સહયોગનાં ખઘઞ
નવી દિલ્હી, તા.7ઃ ઈન્ડોનેશિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, અવકાશ, મહત્ત્વપૂર્ણ ખનિજો, કૃષિ, ચૂંટણી વ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ અને સાંસ્કૃતિક વારસા સહિત લગભગ 20 મહત્ત્વપૂર્ણ સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા છે. આ કરારો બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
આ મુલાકાતની સૌથી મોટી સિદ્ધિ રક્ષા ક્ષેત્રે થયેલો એક કરાર છે. ભારત હવે ઈન્ડોનેશિયાને પોતાની સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ તેમજ અસ્ત્ર એર-ટુ-એર મિસાઇલ ઉપલબ્ધ કરાવશે. માહિતી અનુસાર ઈન્ડોનેશિયા ભારત પાસેથી આશરે 630 મિલિયન ડોલર (63 કરોડ ડોલર)ના સંરક્ષણ સાધનો ખરીદશે. આ કરાર હેઠળ ઈન્ડોનેશિયા પોતાના બ્રહ્મોસ મિસાઇલ ભંડારનો વિસ્તાર કરશે અને ભારત તરફથી વધારાની બ્રહ્મોસ બેટરીઓની સપ્લાય કરવામાં આવશે. ચૂંટણી વ્યવસ્થાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે ભારતના ચૂંટણી પંચ અને ઈન્ડોનેશિયાના જનરલ ઈલેક્શન કમિશન વચ્ચે પણ મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે. ભારત અને ઈન્ડોનેશિયાએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ કરાર કર્યા છે. બંને દેશોના કોસ્ટ ગાર્ડ વચ્ચે દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ કામગીરી, ક્ષમતા વિકાસ તેમજ સુરક્ષિત સમુદ્રી પરિવહન માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત મલક્કા સ્ટ્રેટ નજીક આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સાબાંગ બંદરના વિકાસમાં પણ બંને દેશો મળીને કામ કરશે. ભારતની ગ્રેટ નિકોબાર યોજના માટે આ બંદરનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.
ભારત અને ઈન્ડોનેશિયાએ મહત્ત્વપૂર્ણ ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેઇન ક્ષેત્રમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ ભારત ઈન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર અર્થ પરમનેન્ટ મેગ્નેટના ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરશે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઈન્ડોનેશિયાની પીટી ક્રાકાતાઉ સ્ટીલ વચ્ચે સંયુક્ત સાહસ માટે પણ સહમતિ થઈ છે.
કૃષિ ક્ષેત્રમાં ભારત ઈન્ડોનેશિયાને ડીડબલ્યૂઆર-162 જાતિના 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંના બીજ પૂરા પાડશે. બંને દેશોની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.