-મિકેલ મેરિનોએ આખરી ક્ષણોમાં ગોલ કરી સ્પેનને કવાર્ટર ફાઇનલમાં પહોંચાડયું
આર્લિંગ્ટન(ટેકસાસ), તા.7: દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફીફા વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટયું છે. રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ સ્પેન વિરુદ્ધ તીવ્ર રસાકસી પછી આખરી મિનિટોમાં હારીને વિશ્વ કપની બહાર થઇ છે. રાઉન્ડ-16ના મેચમાં સ્પેનનો 1-0થી દિલધડક વિજય થયો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જયાં તેની ટકકર બેલ્જિયમ વિરુદ્ધ શુક્રવારે થશે. પોર્ટૂગલની હાર બાદ રોનાલ્ડ મેદાન પર રડી પડયો હતો. 41 વર્ષીય આ મહાન ખેલાડીની વિશ્વ કપ સફર સમાપ્ત થઇ છે. જો કે તેણે હજુ સુધી ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી નથી.
પોર્ટૂગલ સામેના મેચમાં એકમાત્ર ગોલ સ્પેનના સબ્સ્ટીસ્ટૂટ ખેલાડી મિકેલ મેરિનોએ 91મી મિનિટે કર્યો હતો. જે નિર્ણાયક બની રહ્યો હતો અને સ્પેન ટીમનો 1-0થી રોમાંચક વિજય થયો હતો. આ મેચમાં બન્ને ટીમના ખેલાડીઓએ ગોલના એકથી વધુ મોકા ગુમાવ્યા હતા. બીજી તરફ બન્ને ટીમના ગોલકીપરે શાનદાર દેખાવ કર્યોં હતો.