-મલક્કા જળમાર્ગના પ્રવેશદ્વાર પર ભારતની વ્યૂહાત્મક એન્ટ્રી
-સબાંગ પોર્ટનાં વિકાસ માટે ભારત-ઈન્ડોનેશિયાની સમજૂતી
નવી દિલ્હી, તા.7ઃ માત્ર 32 કિલોમીટર લાંબો હોર્મુઝ જળમાર્ગ દુનિયાની રાજનીતિ અને કૂટનીતિમાં કેવી મોટી ઉથલપાથલ મચાવી શકે છે તે ઈરાન યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વે જોયું હતું. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી નાખતાં અનેક દેશોમાં ઇંધણ પુરવઠો પ્રભાવિત થયો અને કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો. હવે ભારત અને ઇન્ડોનેશિયા મળીને હિંદ મહાસાગરમાં પોતાનું એક વ્યૂહાત્મક કેન્દ્ર વિકસાવવા જઈ રહ્યા છે, જે મલક્કા જળમાર્ગના પ્રવેશદ્વાર પર સ્થિત સબાંગ બંદર હશે. અહીંથી ભારતના અંદામાન-િનકોબાર દ્વીપસમૂહમાં આવેલો ઇન્દિરા પોઇન્ટ માત્ર 100 માઈલ દૂર છે. આ પહેલથી હિંદ મહાસાગરમાં ભારત અને ઇન્ડોનેશિયાની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની સમુદ્રી વ્યૂહરચનાને નવી દિશા આપતા ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ બંદરના સંયુક્ત વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને દેશોએ ઇન્ડોનેશિયાના સબાંગ બંદરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસથી ત્યાં ભારતની હાજરી પણ વધુ મજબૂત બનશે. ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે આ સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. સબાંગ બંદર વિશ્વના સૌથી વ્યસ્ત અને સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંના એક મલક્કા જળમાર્ગના પ્રવેશદ્વાર પર આવેલું છે. આ બંદર ભારતના મહત્ત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર ટ્રાન્સ-િશપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટથી લગભગ 100 માઈલના અંતરે આવેલું છે. ચેન્નાઈથી દક્ષિણ-પૂર્વ દિશામાં સમુદ્ર માર્ગે આગળ વધતાં વહાણો પહેલા બંગાળની ખાડી પાર કરે છે, ત્યારબાદ અંદામાન સમુદ્રમાંથી પસાર થઈ મલક્કા જળમાર્ગમાં પ્રવેશે છે. આજે વિશ્વના અંદાજે 25 ટકા વૈશ્વિક વેપાર આ માર્ગ પરથી થાય છે. તેલ, ચીનમાં બનેલા ઉત્પાદનો, કોલસો અને પામ ઓઇલ સહિતનો વિશાળ વેપાર અહીંથી પસાર થાય છે. સિંગાપુર, જે આ જળમાર્ગના દક્ષિણ છેડે આવેલું છે, વિશ્વના સૌથી વ્યસ્ત બંદરોમાંનું એક છે.
ભારતનો પૂર્વ એશિયામાં ચીન,જાપાન અને દક્ષિણ કોરિયા થતો મોટાભાગનો સમુદ્રી વેપાર આ જ માર્ગ પરથી થાય છે. પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, મશીનરી અને કન્ટેનર કાર્ગો માટે આ ભારતની મુખ્ય સમુદ્રી જીવનરેખા સમાન છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના સંપર્કોને મજબૂત બનાવવા માટે પણ મલક્કા જળમાર્ગનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લગભગ 2.8 ટ્રિલિયન ડોલર (લગભગ 2,800 અબજ ડોલર)નો માલસામાન મલક્કા જળમાર્ગમાંથી પસાર થાય છે.
ચીન માટે મલક્કા જળમાર્ગ તેની અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષાની સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી જીવનરેખા છે.