-પરાગ્વેની સેનેટર સેલેસ્ટેની એમ્બાપે પર વંશીય ટિપ્પણી
-એમ્બાપેએ કહ્યું ‘ઘણી ખરાબ મહિલા: ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં એમ્બાપેના સમર્થનમાં
નવી દિલ્હી, તા.7: ફ્રાંસના ફૂટબોલ સ્ટાર અને ફીફા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી 7 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી અને હાલેન્ડ સાથે બરાબરી પર ચાલી રહેલ કિલિયન એમ્બાપે રાજકીય વિવાદ ફસાયો છે. એમ્બાપેએ પેરાગ્વેની સેનેટર સેલેસ્ટે અમારિલાની વંશીય ટિપ્પણી પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. એમ્બાપેએ કહ્યું છે કે ‘ઘણી જ ખરાબ મહિલા’. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ તેના દેશના ખેલાડી એમ્બાપેનું સમર્થન કર્યું છે. આથી આ મામલો વિશ્વભરમાં રાજકીય રંગ પકડી રહ્યો છે.
રાઉન્ડ-16માં પરાગ્વે સામે ફ્રાંસનો 1-0 ગોલથી રોચક વિજય થયો હતો. આ પછી પરાગ્વેની સેનેટર સેલેસ્ટે અમારિલાએ એકસ પર એમ્બાપે સામે વંશીય ટિપ્પણી કરી હતી. તેણીએ કહ્યું એમ્બાપે કેમરૂન મૂળનો વ્યકિત છે, જે ખુદને ફ્રાંસીસી સાબિત કરવાની કોશિશ કરે છે. આટલે ન અટકતા એમ્બાપેને જંગલી વ્યકિત પણ કહ્યો. એમ પણ કહ્યું તેને લખતા પણ આવડતું નથી. પરાગ્વેના ખેલાડીઓએ તેને લાફો મારી દેવાની જરૂર હતી.
આ પછી એમ્બાપે પણ એકસ પર વળતો જવાબ આપતા લખ્યું કે સેલેસ્ટે અમારિલા એક ઘણી ખરાબ મહિલા છે. તેના પદ માટે જરા પણ લાયક નથી. તે પરાગ્વેનું પ્રતિનિધિત્વ કરી શકતી નથી. આ એ દેશ છે જેણે પૂરી ટૂર્નામેન્ટમાં ઝનૂન, મહેનત અને સન્માન સાથે દેખાવ કર્યો.
આ મામલે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં તેના દેશના ફૂટબોલ ખેલાડી એમ્બાપેના સમર્થનમાં ઉતર્યાં છે. તેમણે એકસ પર લખ્યું કિલિયન એમ્બાપે વધુ એક ગોલ. આ વખતે વંશવાદ વિરુદ્ધ. તેને મારું પૂરું સમર્થન છે. જયારે નફરતના શબ્દો સામે આવે છે ત્યારે આપણા મૂલ્યો જવાબ આપે છે. ગરિમા, સન્માન, ભાઇચારો.
ફીફા વર્લ્ડ કપમાં ફ્રાંસ ટીમ કવાર્ટર ફાઇનલમાં મોરક્કો સામે શુક્રવારે રમવાની છે. એ પહેલા આ વિવાદ રાજકીય રંગ પકડી ચૂકયો છે અને ફ્રાંસ અને પરાગ્વેના સંબંધમાં ભારે કડવાશ આવી ગઇ છે.